અંબાજી, ડાકોર, સોમનાથ અને દ્વારકા મંદિરો સંપૂર્ણ બંધ
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે. મુખ્ય સચિવ શ્રી ડા. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી કમલ દયાની અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.
ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાનું જાહેર કરવામાં આવેલું તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા તા.૧૪ એપ્રિલ-૨૦૨૦ પછી લેવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે
પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે. કોરોના વાયરસની ઇફેકટના કારણે તા.૨૧ થી ૨૯ માર્ચ સુધી સુપ્રસિધ્ધ શામળાજીમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે.
જેથી ભક્તો તા.૨૯ તારીખ સુધી શામળિયાના દર્શન નહી કરી શકે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે હેતુથી આરોગ્યવિષયક સલામતીના ભાગરૂપે મંદિરમાં શામળિયાના દર્શન બંધ કરાવવામાં આવ્યા છે. તો, કોરોના વાયરસની અસરોને જાતાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના મંદિરે આગામી તા.૨૧, ૨૨ અને ૨૫ તારીખના મહત્વના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આરતી સમયે યાત્રિકોને ઉભા નહી રહેવા સૂચના આપવામાં આવી છે.
તેમજ આરતીમાં કપુર, ગુગળ જેવા રોગપ્રતિકારક પદાર્થનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે અને યાત્રિકોને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન દર્શન કરવા ખાસ અનુરોધ કરાયો છે કે જેથી મંદિર પરિસરમાં લોકોની ભારે ભીડ ના થાય અને આ વાયરસનું સંક્રમણ ફેલાય નહી. તેથી અગમચેતી અને સલામતીના ભાગરૂપે સોમનાથ મંદિરમાં પણ આ નિર્ણય લેવાયો છે. ડાકોરમાં પણ મંદિરના દર્શનમાં ફેરફાર કરાયો છે. તો સવારની રણછોડરાયજીની મંગળા આરતી એક કલાક મોડી એટલે કે, ૭-૪૫ વાગ્યે થશે.
એ પછી સવારે ૧૧-૦૦ વાગ્યે મંદિર બંધ થઇ જશે અને પછી ત્રણ વાગ્યે ખૂલશે. બીજીબાજુ, ૨૦૦ વર્ષમાં પ્રથમવાર સાયલામાં આવેલ જગપ્રસિદ્ધ લાલજી મહારાજના મંદિરને કોરોના વાયરસની અસરના કારણે બંધ કરવામા આવ્યું છે અને મંદિરના મહંત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મંદિરમાં ચાલતા ભોજનાલયને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશને માન આપીને આગામી તા.૩૧ માર્ચ સુધી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉલ્લેખનીય છે કે ૨૦૦ વર્ષ જૂનું આ મંદિર પહેલીવાર બંધ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે બાયડમાં આવેલ દીપેશ્વરી ધામ કોરોનાના કહેરના કારણે તા.૨૯ માર્ચ સુધી બંધ રહેશે.