Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં ૫૩ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ, પ્રવાસીઓના આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

Files Photo

જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો, આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું

માહિતી બ્યુરો, પાટણ   પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં પ્રવેશેલા ૫૩ પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના આયુર્વેદિક વિભાગ દ્વારા આરોગ્યપ્રદ ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વ્યક્તિગત સંપર્ક સાધી કોરોના વાયરસથી બચવા તકેદારીના પગલાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

સ્પર્શ અને ડ્રોપલેટથી સંક્રમીત થતાં કોરોના વાયરસના ફેલાવાની શક્યતાઓ અટકાવવા પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રવેશેલા કુલ ૭૨ પ્રવાસીઓ પૈકી ૫૩ જેટલા પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બાકીના ૧૯ પ્રવાસીઓનો ઓબ્ઝર્વેશન પીરીયડ પૂર્ણ થયો છે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રવાસીઓના આસપાસના વિસ્તારમાં ક્લસ્ટર સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓનું કોમ્યુનિટી હેલ્થ ઑફિસર તથા આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગામના નોટીસ બોર્ડ-બ્લેક બોર્ડ પર કોરોના વાયરસના ચેપથી બચવા શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતીના લખાણ સાથે બેનર્સ, પ્રચાર પત્રિકા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સંપર્ક સાધી હેન્ડવૉશનું નિદર્શન અને સંક્રમણથી બચવા તકેદારીના પગલાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ઘટાડવા આયુર્વેદિક વિભાગ દ્વારા ૩,૨૮૯ લોકોને આરોગ્યવર્ધક ઉકાળા અને ૫૦૩ લોકોને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે વહિવટી તંત્ર દ્વારા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.