નિર્ભયા ફંડ હેઠળ ગુજરાતના સખી કેન્દ્રો માટે કેન્દ્ર સરકારે મંજૂર કરેલી રકમ 2019-20માં રૂ.6.79 કરોડ થઈ
ગુજરાતમાં 33 સખી કેન્દ્રો અને 6133 કેસોઃ મહિલા અને બાળવિકાસ મંત્રીનો રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
એક જ છત હેઠળ મહિલાઓને સુરક્ષા સહિતની તમામ સહાય મળી રહે એ માટે રચાયેલા સખી કેન્દ્રો માટે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારની ગુજરાત માટેની નાણાકીય ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2015-16માં રૂ.45.88 લાખની ફાળવણી વર્ષ 2019-20માં વધીને રૂ.6.79 કરોડ થઈ છે. વન સ્ટોપ સેન્ટર્સ (OSCs) તરીકે જાણીતા આ સખી કેન્દ્રો માટે કેન્દ્ર સરકારે કુલ રૂ.14.54 કરોડની ફાળવણી કરી છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ 19 માર્ચ 2020ના રોજ ઉપરોક્ત પ્રત્યુત્તર આપ્યો હતો.
મંત્રીશ્રીના નિવેદન મુજબ પહેલી એપ્રિલ 2015થી નિર્ભયા ફંડ હેઠળ સખી કેન્દ્ર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે અત્યાર સુધીમાં સમગ્ર દેશના 724 જિલ્લાઓમાં 728 સખી કેન્દ્રો મંજૂર કર્યા છે અને તેમાંથી 680 સખી કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યા છે. તેમાંથી 33 સખી કેન્દ્રો ગુજરાતમાં આવેલા છે અને તેમાં અત્યાર સુધીમાં કુલ 6133 કેસો નોંધાયા છે. ગૃહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015-16માં રૂ. 45,88,047, વર્ષ 2016-17માં રૂ. 38,82,900, વર્ષ 2017-18માં રૂ. 1,27,15,269, વર્ષ 2018-19માં રૂ. 5,62,69,778 અને વર્ષ 2019-20માં રૂ. 6,79,51,666 ફાળવવામાં આવ્યા છે.
શ્રી નથવાણીએ પૃચ્છા કરી હતી કે, શું સરકારે ઘરેલું અને અન્ય પ્રકારની હિંસાથી ત્રસ્ત મહિલાઓ માટે કોઈ યોજના હેઠળ સખી કેન્દ્રોના નામે જાણીતા વન સ્ટોપ સેન્ટર્સ (OSCs)નું અમલીકરણ કર્યું છે? આવા કેન્દ્ર હોય તો તેમની પાછળ થતી નાણાકીય ફાળવણીની વિગતો, મંજૂર કરાયેલા, સ્થપાઈ ચુકેલા અને કાર્યરત OSCsની વિગતો ઉપરાંત આવા કેન્દ્રો હેઠળ નોંધાયેલા કેસોની વિગતો રજૂ કરવા માટે પણ શ્રી નથવાણીએ રજૂઆત કરી હતી.
મંત્રીશ્રીના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ સખી કેન્દ્રો એક જ છત નીચે મહિલાઓને બહુવિધ સેવાઓ પૂરી પાડે છે, તેમાં તબીબી મદદ, પોલીસની સુવિધા, મનોવૈજ્ઞાનિક પરામર્શ, કાયદાકીય સલાહ અને હિંસાગ્રસ્ત મહિલાને હંગામી આશરો આપવાની સહાયનો સમાવેશ થાય છે. OSCs ક્યાં તો નવી નિર્માણ પામેલી ઇમારતમાં અથવા તો હોસ્પિટલ કે તબીબી સુવિધા હોય તેની બે કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સ્થાપવામાં આવે છે. અત્યારે દેશમાં કુલ 680 OSCs કાર્યરત છે અને તેમાં કુલ 255852 કેસો નોંધવામાં આવ્યા છે. તેમાંથી ગુજરાતમાં આવેલા 33 OSCsમાં કુલ 6133 કેસ નોંધવામાં આવ્યા છે, તેમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.