મુંબઈ, પુણે, પિંપરી અને નાગપુરમાં લોકડાઉન: ધો.1થી8ની પરીક્ષાઓ રદ્દ

મુંબઈ, દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશ ભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો વધીને 210 થઈ ગયો છે. જેમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર સરકારે ચાર શહેરોમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. એટલે કે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો અને સેવાઓને બાદ કરતા તમામ દુકાનો અને ઓફિસો 31 માર્ચ સુધી બંધ રહેશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે મુંબઈ, પુણે, પિંપરી, નાગપુર અને એમએમઆર ક્ષેત્રને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. અહીં જરૂરી ચીજ-વસ્તુઓને બાદ કરતા તમામ દુકાનો અને ઓફિસો બંધ રાખવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 52 કેસ સામે આવ્યા છે, જેમાંથી એકનું મોત નિપજ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, પુણે, પિંપરી અને નાગપુરમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. 31 માર્ચ સુધી બીન જરૂરી વસ્તુઓ અને દારૂની દુકાનો, પબ, મોલ્સ વગેરે સહિતનું બધું જ બંધ રહેશે. પરંતુ શાકભાજી અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ ઉપરાંત જરૂરી સુવિધાઓ પણ યથાવત્ રહેશે. જોકે, સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી.
મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે એકથી આઠ ધોરણ સુધીના બાળકોની વાર્ષિક પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. 10-12 ધોરણની પરીક્ષાઓ યોજાશે પરંતુ નવથી 11માં ધોરણ સુધીના બાળકોની પરીક્ષાઓ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.