ઇટાલી : કોરોના કહેર વચ્ચે લાશોના ઢગલા થઇ ગયા
રોમ: યુરોપના ઇટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે હાહાકાર મચાવી દીધો છે. કોરોના કારણે હવે લાશોના ઢગલા થઇ ગયા છે. સ્થિતિ ને પહોંચી વળવા માટે ૨૪ કલાક સુધી દફનવિધી ચાલી રહી છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઇ ગઇ છે. બેરગામોમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મોતનો આંકડો વધીને ૪૨૭ થઇ ગયો છે. ઇટાલીમાં મોતનો આંકડો વધીને ૩૪૦૫ સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૩૧૯૦ સુધી પહોચી ગઇ છે.
હવે સ્થિતિ ને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ઇટાલીમાં કોરોના પિડિત લોકોના મૃત્યુદરને લઇને મોટા પ્રશ્નો થઇ રહ્યા છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. યુરોપના મોટા ભાગના દેશો હવે કોરોનાના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. ઇટાલીમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની સંખ્યા હવે ચીન જેટલી થઇ ગઇ છે.