કોરોના સામે શરીરની પ્રતિરોધકતા વધારતી હોમિયોપેથિક દવાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો
ગોધરા સહિત 22 સ્થળોએ 30,000 શીશીઓનું વિતરણ કરાયું સોશિયલ ડિસ્ટન્સિંગ અને પર્સનલ હાઈજિન અંગેની માર્ગદર્શિકાનું પાલન કોરોનાના ચેપને દૂર રાખશે
કોરોનાથી ગભરાયા વગર તંત્ર દ્વારા જાહેર કરાયેલ બચાવના પગલાઓને અનુસરવા અપીલ કરી
ગોધરા:નોવેલ કોરોના વાયરસ (covid-19)થી ફેલાતા રોગે આરોગ્યક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી છે પરંતુ તેનાથી પેનિક થઈ જવાની જરૂર નથી. આ વાયરસનો ચેપ ફેલાવાની પેર્ટનને ધ્યાનમાં લેતા જો શિસ્તતાપૂર્વક સોશ્યલ ડિસ્ટન્સીંગ (બીજા વ્યક્તિના સંસર્ગમાં ન આવવું) તેમજ પર્સનલ હાઈજીન અંગે જાહેર કરાયેલ માર્ગદર્શિકાને ચોક્સાઈપૂર્વક પાળવામાં તો આ રોગને ફેલાતો અટકાવી શકાય છે તેમ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ ગોધરાની શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે કોરોના વાયરસ માટે પ્રતિરોધકતા વધારતી હોમિયોપેથિક દવાઓના વિતરણ પ્રસંગે જણાવ્યું હતું.
શ્રી અરોરાએ ચેપથી ઉભા થઈ શકતા સંભવિત જોખમને ટાળવા જવાબદાર નાગરિકો તરીકે પોતાના વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકો તેનું પાલન ન કરે તો તેમને સમજાવવા અને ન માને તો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. વાયરસના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિમાં પણ જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવાના ઉમદા હેતુથી યોજાયેલ દવા વિતરણના આ કાર્યક્રમ માટે હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટર્સ એસોશિયેશનને બિરદાવતા તેમણે વિતરણ કેન્દ્રો પર લોકો ભેગા ન થાય કે એકબીજાના સંપર્કમાં ન આવે તે સુનિશ્ચિત કરવા તેમજ વિતરણની સાથે લોકોને ચેપથી બચાવના ઉપાયો, પગલાઓ વિશે જાગરૂક કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર્સને સંબોધતા જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી ઘોષિત થયેલ નોવેલ કોરોના વાયરસના ચેપથી જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા જિલ્લાના આરોગ્યકર્મીઓ સક્રિય છે ત્યારે હોમિયોપેથી આયુર્વેદિક ડોક્ટર્સ એસોશિયેશન દ્વારા કોરોના સામે શરીરની પ્રતિરોધકતાને મદદ કરતી આ દવાઓનું વિતરણ આવકાર્ય પહેલ છે.
તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકર્તાઓ ડોર-ટુ-ડોર સર્વે અને કેમ્પેઈન હાથ ધરી આ બાબતે લોકોને જાગૃત કરશે. ચેપ સામે બચાવના પગલાઓની ગંભીરતા અંગે સામાન્યજનને જાગૃત કરવામાં ડોક્ટર્સની સક્રિયતાને અતિ અગત્યની ગણાવતા તેમણે આ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
એસોશિયેશન દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ગોધરા સહિત આજુબાજુના 22 સ્થળોએ કોરોના પ્રતિરોધકતાવર્ધક હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરાયું હતું. દવાની કુલ 30,000 શીશીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોધરા પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેના, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી મોઢ તેમજ એસોશિયેશનના હોદ્દેદારો અને કોલેજના ટ્રસ્ટીગણ અને વિતરણ કાર્યક્રમમાં સામેલ થનાર ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.