અમદાવાદમાં ૧૪૪ની કલમનો ભંગઃ બિલ્ડર લોબીએ સાઈટ ચાલુ રાખતા ટોલનાકા પર મજૂરો- શ્રમિકોનો જમાવડો
બિલ્ડર લોબીએ સાઈટ ચાલુ રાખતા ટોલનાકા પર મજૂરો- શ્રમિકોનો જમાવડો
(પ્રતિનિધિ) અમદાવાદ:
શહેરમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા અને પોઝીટીવ કેસ નોંધાતા સતર્ક થયેલા પોલીસ વિભાગે ૧૪૪ની કલમ અમલમાં મૂકી છે કોઈપણ સ્થળે ચાર કરતા વધારે વ્યક્તિ એકઠા થઈ ન શકે. તેવો આ કલમમાં ઉલ્લેખ કરાયો હોવા છતાં આજે સવારથી જ ૧૪૪ની કલમનો ઠેરઠેર ભંગ થઈ રહયો હોય તેવુ ચિત્ર જાવા મળતુ હતું.
કોરાના વાયરસ ખતરનાક સાબિત થયો છે તેમ છતાં બાંધકામની સાઈટો ચાલુ રહી હોવાથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા ટોલનાકાઓ પર સવારથી જ મોટી સંખ્યામાં શ્રમિકો એકત્રિત થયા હતા જુદા-જુદા ટોલનાકાઓ પરથી શ્રમિકો- મજૂરોને બાંધકામ સાઈટ પર લઈ જવાયા છે તેથી અહીંયા શ્રમિકોનું ચોક્કસ બજાર ભરાતુ હોય છે કોરોના વાયરસના પોઝીટીવ કેસ શહેરમાં નોંધાયા હોવા છતાં બિલ્ડર લોબી તેની ગંભીરતાને સમજી નથી. બીજી તરફ સાઈટ પર કામ માટે સવારથી જ વિવિધ વિસ્તારોમાં ટોલનાકાઓએ શ્રમિકોનો જમાવડો શરૂ થયો હતો.
પાંજરાપોળ, આઈ.આઈ.એમ, ઘાટલોડિયા, આંબાવાડી, બાપુનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મજૂરો ઉમટી પડયા હતા. શહેરમાં ૧૪૪ની કલમ લાગુ કરાઈ હોવા છતાં તેના આ તમામ સ્થાનોએ ભંગ થતો હતો. બિલ્ડરો તરફથી શ્રમિકોને કોઈ જ સૂચના આપવામાં આવી નહી હોવાથી રૂટિન કામકાજ માટે મોટી સંખ્યામાં શ્રમિકો આવી પહોંચ્યા હતા. જાકે અમુક ટોલનાકાએ પ્રમાણમાં ઓછા મજૂરો દ્રશ્યમાન થતા હતા. દરમિયાનમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ગુજરીબજારને આવતીકાલે બંધ રાખવામાં આવ્યુ છે તેથી કાલે ભરાતુ રવિવારનું બજાર ભરાશે નહિ.
શહેરમાં કોરોના વાયરસના ત્રણ કેસો નોંધાતા પ્રશાસન તંત્રની સાથે નાગરિકો પણ સતર્ક બનેલા છે સરકારની અપિલને ધ્યાનમાં રાખી કેટલાક નાગરિકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહયા છે પરંતુ શ્રમિક વર્ગની હાલત કફોડી બનવા લાગી છે રોજકમાઈને રોજ ખાવાવાળો વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે જેના પરિણામે આવા શ્રમિકો મજૂર નાકા પર પહોંચવા લાગ્યા છે. શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ બાંધકામની સાઈટો હજુ પણ ચાલુ છે જેના પરિણામે શ્રમિકો બહાર નીકળી રહયા છે
આની સાથે સાથે કેટલાક અન્ય શ્રમિકો પણ સવારથી જ મજૂરી માટે અહીં તહીં રઝળતા જાવા મળ્યા હતા. અનાજ સહિત અન્ય બજારોમાં ગાડા ચલાવતા લોડીંગ રીક્ષા ચલાવતા શ્રમિકો સવારથી જ બજારોમાં પહોંચી ગયા હતા. જાકે કેટલાક બજારો બંધ જાવા મળતા આવા શ્રમિકો ચિંતાતુર બની ગયા છે. આ ઉપરાંત આજે સવારથી જ શહેરના જાણીતા કાલુપુર, જમાલપુર, નરોડા સહિતના શાકમાર્કેટોમાં લોકોની ભારે ભીડ જાવા મળી હતી અમદાવાદ શહેરમાં “લોકડાઉન” જેવી સ્થિતિ સર્જાઈ છે
ત્યારે શાકભાજી તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં સરકારી તંત્ર ભાવોને કાબુમાં રાખે તેવી સામાન્ય નાગરિકોની માંગણી છે શહેરના અનેક મુખ્ય બજારોમાં આજે સવારથી જ બંધ જેવી સ્થિતિ જાવા મળી હતી. પરંતુ અનાજ અને શાકભાજીના બજારોમાં ખુલ્લેઆમ ૧૪૪ની કલમનો ભંગ થતો જાવા મળતો હતો.