પ્રાંત કચેરી -પશ્ચિમ ખાતે કલેકટર ડૉ.વિક્રાંત પાંડેએ કર્મયોગીવન માટે વૃક્ષારોપણ કર્યું
અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી-કર્મચારીઓ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ- જિલ્લાની તમામ કચેરીઓમાં કર્મયોગીવન ઊભા કરાશે
અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી કર્મચારીઓ દ્વારા પ્રાંત કચેરી-પશ્ચિમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અને ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના પર્યાવરણ સંરક્ષણ અભિયાનને સાર્થક કરવા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓમાં કર્મયોગી વન ઊભા કરાશે. પ્રાંત કચેરી -પશ્ચિમ ખાતે કર્મયોગી વનના ૫૦૧ વૃક્ષોનું વાવેતર અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી-કર્મચારીઓ દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મહાનગર પાલિકાની રિક્રિકેશન કમિટીના ચેરમેન જીગ્નેશ પટેલ, પ્રાંત કચેરી-પશ્ચિમના નાયબ કલેકટરશ્રી જે.બી.દેસાઈ , વનવિભાગ સહિત અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.