કેબિનેટ સચિવે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા કરી; બીમારીને અંકુશમાં રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા

નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ રાજ્યોના મુખ્ય સચિવોએ માહિતી આપી હતી કે, માનનીય પ્રધાનમંત્રીએ જનતા કર્ફ્યૂ માટે દેશવાસીઓને કરેલા અનુરોધને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યૂમાં જોડાયા છે.
કોવિડ-19નો ફેલાવો રોકવા માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા, બિન-આવશ્યક મુસાફર પરિવહન પર 31 માર્ચ 2020 સુધી પ્રતિબંધો મૂકવાની તાકીદની જરૂરિયાત હોવાની સંમતિ સાધવામાં આવી હતી જેમાં આંતરરાજ્ય પરિવહન બસો પણ સામેલ કરવામાં આવી છે.
વિગતવાર ચર્ચા કર્યા પછી, રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી હતી કે, કોવિડ-19ના કેસ નોંધાયેલા અથવા તેના કારણે મૃત્યુ થયું હોવાનું પુષ્ટિ થઇ હોય તેવા 75 જિલ્લામાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવાની મંજૂરી આપવા સંબંધે યોગ્ય આદેશ જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારો તેમની સ્થાનિક સ્થિતિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યાદીમાં વધારો કરી શકે છે. એવું નોંધવામાં આવ્યું હતું કે, કેટલીક રાજ્ય સરકારોએ પહેલાંથી જ આ સંબંધે જરૂરી આદેશો આપી દીધા છે.
નિર્ણયો:
બેઠક દરમિયાન નિમ્ન લિખિત નિર્ણયો લેવામાં આવ્યા છે:
- તમામ ટ્રેન સેવાઓ 31 માર્ચ 2020 સુધી સ્થગિત કરવામાં આવી છે જેમાં ઉપનગરીય રેલવે સેવાઓ પણ સામેલ છે. જોકે, માલવાહક ટ્રેનોને આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી છે.
- 31 માર્ચ 2020 સુધી તમામ મેટ્રો રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. કોવિડ-19ના કેસો નોંધાયા હોવાની પુષ્ટિ થઇ હોય તેવા અંદાજે 75 જિલ્લામાં માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવા સંબંધિત આદેશ રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવશે.
- આંતરરાજ્ય મુસાફર પરિવહન સેવાઓ પણ 31 માર્ચ 2020 સુધી સ્થગિત કરવામાં આવી છે.