પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લામાં લોકશિક્ષણની પાયાની કામગીરી હાથ ધરવામાં આવી
સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો
માહિતી બ્યુરો, પાટણ: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસોની સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જાહેર હિતમાં જનજાગૃતિ કેળવાય તે માટે લોકશિક્ષણની પાયાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડોર-ટુ-ડોર કેમ્પેઈન દ્વારા સામાજીક અંતર જાળવવા અને જિલ્લામાં લાગુ કરાયેલા જાહેરનામા અંગે સમજ આપવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નામદાર સભ્ય સચિવશ્રી તેમજ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રીની સુચના અન્વયે નોવેલ કોરોના વાયરસના સંભવિત ખતરાને ટાળવા તેમજ જાહેર હિત ખાતર જિલ્લા મુખ્ય ન્યાયાલય સાથે જોડાયેલા પેનલ એડવોકેટશ્રીઓ તથા પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. લોકોમાં ખોટો ગભરાટ ન ફેલાય તેમજ લોકોમાં સતર્કતા બની રહે તે માટે પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પાટણ જિલ્લામાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિઓ સાથે જોડાયેલ પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચેઈન સિસ્ટમ મુજબ પ્રત્યેક વ્યક્તિને સામાજીક અંતર જાળવવા તેમજ જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે રીતે લોકોમાં સતર્કતા જળવાય તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી દ્વારા જેલમાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ ટાળવા જેલ પ્રશાસનને જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું. સાથે સાથે સિદ્ધપુર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સેદ્રાણા ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને માસ્કનું વિતરણ કરી સાવચેતીના પગલા લેવા માહિતગાર કરવામાં આવ્યા.
વધુમાં જિલ્લાની તમામ અદાલતોમાં આવતા તમામ વ્યક્તિઓને મુખ્ય દરવાજા આગળ ટેમ્પરેચર ગન દ્વારા ચકાસણી કરવામાં આવે છે તથા આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. કોર્ટમાં કામ કરતાં તમામ કર્મચારીઓને માસ્ક સાથે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.