ખેડા જિલ્લામાં કોરોનાને જડમૂળથી નાથવા વહિવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે
લોકોને સહકાર આપવા જાહેર અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ
નડિયાદઃ-સોમવારઃ- ખેડા જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને આવનાર દિવસોમાં જિલ્લામાં એકપણ કેસ પોઝિટવ ન નોંધાય તેની પૂરતી તકેદારી વહિવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહી છે અને સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના સામે લડવા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે નાગરિકોને સહકાર આપવા જાહેર અપીલ કરી છે. તંત્ર દ્વારા લેવામાં આવતા જરૂરી નિયંત્રણો તથા માર્ગદર્શન આપવામાં આવે તેનો ચુસ્તપણે અમલ કરવા જાહેર અપીલ કરી છે.
જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે આજે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી ત્યારે આવનાર દિવસોમાં કેસ ન આવે તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે તથા સાવચેતીના પગલાં લેવા જિલ્લામાં કુલ ૭ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૩૨ બેડ સાથેની સુવિધા ઉપલબ્ધ છે અને વધુમાં ૩૫૦ બેડ સુધીની તૈયારી કરવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ – ૭૯૧ પેસેન્જરોની ચકાસણી કરવામાં આવી જેમાંથી ૬૪૫ નિરીક્ષણ હેઠળ રખાયા છે તથા ૮ પેસેન્જરોના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા તે નેગેટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં વિદેશ કે બીજા રાજ્યોમાંથી આવેલ કુલ – ૧૮ વ્યક્તિઓને સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બનાવાયેલ કોરેન્ટાઇલ સેન્ટર ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં લોકજાગૃત્તિના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેનરો, પેમ્પલેટ્સ, સ્ટીકર્સ, પોસ્ટર્સ જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેમાં નિર્દેશ પ્રમાણે અમલ કરવા તથા સહકાર આપવા જિલ્લા કલેકટરશ્રીએ જાહેર જનતાને અપીલ કરી છે.