“કોરોના વાયરસ” થી બચવા “હોમિયોપેથી દવા” વિતરણ કાર્યક્રમ યોજાયો
નડિયાદઃ-તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા દેશભરમાં ચાલી રહેલા “કોરોના વાયરસ” મહામારી સામે જાહેર જનતા અને કોર્ટ પરિસરમાં આવતા પક્ષકારોમાં તકેદારી માટે જાગૃતિ લાવવાના હેતુસર જરૂરી કાર્યક્રમો કરવાની સુચના આપવામાં આવેલ, જેનાં અનુસંધાનમાં મે. ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. એલ એસ. પીરઝાદા સાહેબનીસુચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદ, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ, ખાત્રજ-મહેમદાવાદના સરકારી હોમિયોપેથીક દવાખાનું તથા રોટરી ક્લબ નડીઆદનાં સંયુક્ત ઉપક્રમે કોર્ટમાં આવતા પક્ષકારો તથા જાહેર જનતાને કોરોના વાયરસ સામે જરૂરી તકેદારી રાખવા માટેની જાણકારી આપવા તથા હોમિયોપેથી દવા વિતરણનો કાર્યક્રમ જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે આયોજિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના ચેરમેન શ્રી. એલ એસ. પીરઝાદા સાહેબે વિશેષ ઉપસ્થિત રહીને કોર્ટ પરિસરમાં આવતા પક્ષકારોને સેનેટાઈઝરનો ઉપયોગ કેવી રીતે કરવો તથા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના વાયરસથી બચી શકાય તે માટેની હોમિયોપેથીક દવાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેમદાવાદના હોમિયોપેથીક દવાખાનાનાં ડોક્ટર-કર્મચારીઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી. આર એલ. ત્રિવેદી, જિલ્લા ન્યાયાલય સ્થિત તમામ કોર્ટોના ન્યાયિક અધિકારીશ્રીઓ-કર્મચારીગણ, રોટરી ક્લબ નડીઆદના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી. પરેશ રાવ, પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. પ્રદીપ વૈષ્ણવ તથા પક્ષકારો સહિત મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં કુલ ૬૦૦ જેટલા પરિવારો માટેની દવાનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંચાલન-વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના સેક્રેટરી શ્રી. આર એલ. ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.