સાંસદના પ્રયત્નોથી ૫૦૦૦ જેટલા શ્રમિકો દાહોદ પોતાના વતન પહોંચ્યા

દાહોદ :- હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં લપેટાયલું છે. ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કોરોના વાઇરસને જંગને નાથવા ૨૧ દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરેલું છે.
દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે અપીલ કરી છે કે વડાપ્રધાનશ્રીએ આપેલા લોકડાઉનનો જીલ્લાના તમામ નાગરિકો અચૂક અમલ કરે. ઘરમાં રહો અને પરિવાર સાથે સુરક્ષિત રહો.
આ કોરોના વાઇરસની મહામારીમાં જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧૫૦ જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોએથી ૫૦૦૦ જેટલા શ્રમિકોને માદરે વતન પહોંચાડવામાં આવ્યા છે. વધુમાં સાંસદશ્રીએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરતાં બહારથી આવતા શ્રમિકોને દાહોદ ખાતે ચા,નાસ્તો,જમવાનું તથા પાણી પૂરા પાડવામાં આવ્યા હતા.