પેટલાદની બેન્કોમાં ગ્રાહકોની લાંબી કતારો
સમગ્ર દેશની સાથે પેટલાદ શહેરમાં પણ તા.રપ માર્ચથી લોકડાઉનની સ્થિતિ જાવા મળે છે. સાથોસાથ કલમ ૧૪૪ મુજબ ચાર કે તેથી વધુ ભેગા થવા ઉપર પોલીસ તંત્ર નિયંત્રણ લાવે છે. પોલીસના સતત પેટ્રોલીંગને કારણે પરિસ્થિતિ મહદ્અંશે કાબુમાં જાવા મળે છે. પરંતુ ગઈકાલથી પેટલાદની કેટલીક બેન્કો બહાર ગ્રાહકોની લાંબી કતારો જાવા મળી રહી છે. આજરોજ શહેરની બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા વગેરે પાસે ગ્રાહકોની ખૂબ લાંબી કતારો જાવા મળી હતી. આ અંગે કતારોમાં ઉભા રહેલા કેટલાક ગ્રાહકોએ જણાવ્યુ હતુ કે, હાલ લોકડાઉન હોવાને કારણે આવકનું કોઈ અન્ય માધ્યમથી નહિ હોવાથી નાણાં ઉપાડવા આવ્યા છે.
જ્યારે કેટલાક ગ્રાહકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત રૂ.૭પ૦ તથા જનધન ખાતામાં રૂ.પ૦૦ની રકમ જમા કરાવવામાં આવી હોવાથી તે રકમ ઉપાડવા આવ્યા છે. આ અંગે બેન્ક ઓફ બરોડાના મેનેજરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બેન્કો પાસે ગ્રાહકોની જે લાંબી કતારો જાવા મળે છે, તે નાણાં ઉપાડવા માટે જ આવે છે. અમે ગ્રાહકોને એક મીટરના અંતરે ઉભા રહેવા સૂચના આપીએ છે પરંતુ ગ્રાહકો ટોળામાં ઉભા રહે તો અમે શું કરીએ ?