ગુજરાત રાજ્યમાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ કુલ 82 કેસો
તમામે તમામ કેસ અમદાવાદના, સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે જેનો રાજ્યમાં સરસ રીતે અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ સ્વયં સંયમ રાખીને ચુસ્ત અમલ કરે એ જરૂરી છે. એ આપણા સૌની જવાબદારી અને સૌની ફરજ છે, તો જ સંક્રમણની સાંકળને આપણે આગળ વધતી અટકાવી શકીશું.
રાજ્યમાં કોરોના વાયરસની અપડેટ વિગતો આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ ૮૨ પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક – એકનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૫૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે જેમાં ૧૫૦૧ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૮૨ કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જે ૮૨ કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં ૬૭ કેસ સ્ટેબલ, ૩ વેન્ટિલેટર ઉપર અને ૬ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.
ડોક્ટર રવિએ કહ્યું કે, આજે જે નવા આઠ કેસ પોઝિટિવ આવ્યા છે એમાં અમદાવાદના પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીનો સમાવેશ થાય છે જે તમામ લોકલ ટ્રાન્સમિશનને પરિણામે પોઝિટિવ થયા છે.
તેમણે કહ્યું કે, કવોરન્ટાઈનમાં રહેલ વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં ૩૬૬ કોલ મળ્યા છે તે પૈકી ૧૯૨ કોલ મેન્ટલ હેલ્થને લગતા અને ૧૭૩ કોલ શારીરિક હેલ્થને લગતા છે. જે તમામને યોગ્ય માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં સારવાર આપવામાં આવી છે.
ડૉ.રવિએ ઉમેર્યું કે, આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આપેલી સુચનાને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતે આવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધીમાં ૯૭ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને ૧૨૩ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. તે ઉપરાંત બાવન બાળકોને દવાઓ આપવામાં આવી છે.
તેમણે ઉમર્યું કે, રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ આરોગ્ય કમિશ્નરશ્રી ની કચેરીથી કરવામાં આવી રહ્યું છે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
ડો.રવિ કહ્યું કે, દિલ્હીમાં નિઝામુદીન વિસ્તારમાં એકઠા થયેલ વ્યકિતઓમાં જોવા મળેલ પોઝિટીવ કેસોને ધ્યાને લઇ ભારત સરકારે આ સમયગાળા દરમ્યાન તે વિસ્તારની મુલાકાત લીધેલ અંદાજીત ૧૫૦૦ વ્યકિતઓની યાદી રાજય સરકારને સુપ્રત કરી છે. જેના આધારે આવા તમામ વ્યકિતઓનું રાજય સરકારે ટ્રેકીંગ ચાલુ કરેલ છે. આવા વ્યકિતઓ તેમજ તેઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલ વ્યકિતઓમાં રોગના લક્ષણો છે કે કેમ તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. તેની માહિતી આપતા ઉમેર્યું કે, અત્યાર સુધી ૨૮,૦૦૦ થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૪૯૬ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.
વેન્ટીલેટર કેર તાલીમ સંદર્ભે વિગતો આપતા ડો.રવિ જણાવ્યું કે, રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે. વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી ૧૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવશે. એટલું જ નહિ, ૨૩૬૭ તબીબો, ૧૩૦૦ જેટલા આયુષ, ૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ, ૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સને COVID-19 ને લગતી આનુષંગિક તાલીમ આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તે ઉપરાંત રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં ૪૬૫૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. તો બીજી તરફ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરી અને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક અંગે માહિતી આપતા ડો.રવિ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ ,પી.પી.ઇ. કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ૧૫૦ વેન્ટીલેટર ખરીદીના આદેશો અપાઇ ગયેલ છે. તે ઉપરાંત COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.
COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત તા.૩૧.૦૩.૨૦૨૦ અને તા.૩૦.૦૪.૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ તા.૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જેના પરીણામે આવી રોગચાળાની પરીસ્થિતિમાં આ કર્મચારીઓનો અનુભવનો લાભ રાજ્યને મળી રહેશે.
ડો.રવિ ઉમેર્યું કે, રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે તબીબોની અછત ઘટાડવા ૧૧ માસના કરારીય ધોરણે નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. જેના પરીણામે પણ રાજ્યમાં વધુમાં વધુ તબીબોની ઉપલબ્ધિ થશે.