Western Times News

Gujarati News

કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને સહયોગ આપવા  પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની અપીલ

સરકાર અને તંત્ર દ્વારા  લોક ડાઉન સંદર્ભે અપાયેલા નિર્દેશોનું પાલન કરીને  કોરોનાને મ્હાત કરી શકાશે-કોરોનાને દૂર રાખવા અન્ય વ્યક્તિઓને મળવાથી દૂર રહોનો સંદેશ
ગોધરા, બુધવારઃ કોવિડ-19 વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા ભારત સરકાર દ્વારા દેશભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનો ચેપ સંક્રમિત વ્યક્તિ મારફતે બીજા વ્યક્તિમાં ફેલાતો હોવાથી સરકારે ઘર બહાર અવર-જવર પર કરવા પર નિયંત્રણો મૂકી આ સમયગાળા પૂરતા લોકોને ઘરમાં જ રહેવા નિર્દેશ આપ્યા છે.

પંચમહાલ જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને પોલિસ વિભાગ આ લોક ડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી જિલ્લાવાસીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા કાર્યરત છે ત્યારે જિલ્લાના વિવિધ ધાર્મિક અગ્રણીઓએ પણ લોકોને લોક ડાઉનના નિયમોનું કડક પાલન કરવા અને તે રીતે કોરોના સામેની લડાઈમાં સહયોગ કરવા માટે એકસૂરે અપીલ કરી છે. લોક ડાઉનના આઠ દિવસો વીતી ગયા છે ત્યારે સંયમ ન ગુમાવી બાકીના દિવસો દરમિયાન પણ શિસ્તતાપૂર્વક નિયમોને અનુસરવા અને જિલ્લાની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ સૌ અગ્રણીઓએ નાગરિકોને અનુરોધ કર્યો છે.

ગોધરા ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી શ્રી બ્રહમજીવન સ્વામીજીએ જણાવ્યું હતું કોરોના સંક્રમિત વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે તેથી આ મહાવ્યાધિ પર કાબુ ન મેળવી લેવાય ત્યાં સુધી સરકારે આપેલા આદેશોનું પાલન કરી બહાર જવાનું ટાળવું જોઈએ. લોક ડાઉનના નિર્દેશોનું જો ચુસ્તપણે પાલન કરવામાં આવે તો સંક્રમણના ફેલાવાને મર્યાદિત રાખી કાબૂમાં લઈ શકાશે તેથી સંયમપૂર્વક વર્તી ઘરમાં જ રહેવા અને કોરોનારૂપી આપત્તિને કારણે આવી પડેલ લોક ડાઉન દરમિયાન ઘરે રહી પ્રભુભક્તિ, પુસ્તકોનું વાંચન-મનન જેવી હકારાત્મક પ્રવૃતિઓ કરી સમયનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ગોધરાના વાવડી ખાતે આવેલા એસએમવીએસ મંદિરના સંત શ્રી નિષ્કામ સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે વિશ્વભરને ભરડો લેનાર કોરોનારૂપી મહામારીને હરાવવા માટે આપણે વિશેષ કંઈ કરવાનું નથી પરંતુ સરકારે આપેલા નિર્દેશોનું પાલન કરતા ઘરની અંદર જ રહેવાનું છે. સરકારે દેશવાસીઓને કોરોના સંક્રમણના ભયથી બચાવવા માટે જ લોક ડાઉન કરવાનો કઠોર નિર્ણય લીધો છે તે સમજી આપણે આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવાની ફરજ બજાવવાની છે અને તેમાં પાછી પાની કરવી જોઈએ નહીં. તેમણે લોકોને 21 દિવસ ઘરમાં જ રહેવા, બહાર જઈએ ત્યારે અન્ય લોકો સાથે સલામત અંતર જાળવવા, પોલિસને સહયોગ આપવા વિનંતી કરી હતી.

ગોધરાના ઉલમાએ કીરામના અગ્રણીશ્રી મુફ્તિ હારૂને જિલ્લાના તમામ નાગરિકોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના રોગની ગંભીરતા સમજી કાળજી રાખવા જણાવી લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બેજવાબદારીપૂર્વક વર્તી લોક ડાઉનના નિર્દેશોનું પાલન નહીં કરીએ તો આપણા જિલ્લામાં પણ સંક્રમણના કેસો આવે તેવી શક્યતા છે. દુકાનોએ વધુ લોકો ભેગા થઈ જતા હોય તેવા કિસ્સામાં દુકાનદારોને લોકોને આ બાબતે ટોકવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પરિસ્થિતી જોતા મસ્જિદમાં નમાજ પઢવાનો આગ્રહ ન રાખતા ઘરે નમાજ પઢવા અનુરોધ કર્યો હતો.

ગોધરાના ઉલમાએ કીરામના અગ્રણીશ્રી હાફિઝ ઈદ્રિસ ગેસે મુસ્લિમોભાઈઓ સહિત જિલ્લાના તમામ નાગરિકોને અનિવાર્ય ન હોય તેવા સંજોગો સિવાય બહાર ન નીકળવા અને શક્ય હોય તેટલા કામો માટે ટેલિફોન કે ઓનલાઈન સુવિધાઓનો ઉપયોગ કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.

જો બહાર નીકળવું અતિ આવશ્યક હોય તો એક જ વ્યક્તિએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સરકાર દ્વારા સૂચવાયેલા તમામ બચાવના પગલાઓનું પાલન કરી બહાર નીકળવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે લારીઓ, દુકાનો પર ટોળે વળવું સંક્રમણને નોતરનાર બની રહેશે તેમ જણાવી તેનાથી દૂર રહેવા વિનંતી કરી હતી.

સંત નિરંકારી મંડળના ગોધરા ખાતેના પ્રમુખ શ્રી વિદ્યાદીદીએ જણાવ્યું હતું કે દેશ અને વિશ્વ સામે કોરોનારૂપી પડકાર આવી પડ્યો છે ત્યારે સૌએ એક થઈને તેનો સામનો કરવાનો છે અને સરકારે આપેલા આદેશોનું સખ્ત રીતે શિસ્તતાપૂર્વક સંપૂર્ણ પાલન કરવાનું છે. સરકારે આપેલા નિર્દેશો અનુસાર શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવા અને બહાર જઈએ તો અન્ય વ્યક્તિઓથી 2 મીટર જેટલું અંતર બનાવી રાખવા જણાવ્યું હતું. આદેશોનું પાલન કરતા લોક ડાઉન દરમિયાન આસપાસના જરૂરતમંદોની સહાય કરવા અને બિમાર જણાય તો જિલ્લા આરોગ્યતંત્રનો સંપર્ક કરવા પણ તેમણે જિલ્લાવાસીઓને આહવાહન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.