યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી ૧૨૦૦ બેડની કોરોના માટેની જ અલાયદી હોસ્પિટલની સુવિધાઓ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્રના માધ્યમથી જાત માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર- સુશ્રૂષા માટે ઉભી કરાયેલ સુવિધાઓની જાણકારી મેળવવા માટે જનસંવાદ કેન્દ્ર માધ્યમથી સીધા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જી. એચ. રાઠોડ સાથે સંવાદ સાધી હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ- સગવડોની જાણકારી મેળવી મેળવી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો. જી. એચ. રાઠોડે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રીશ્રીને જણાવી હતી.
તેમણે હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ આઇ.સી.યુ., વેન્ટીલેટર, એક્સ -રે મશીન, ડાયાલિસિસ, દર્દીઓને રહેવા તથા જમવાની સુવિધાઓ અંગેની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ટૂંકા ગાળામાં કોરોના માટેની જ યુધ્ધના ધોરણે ઉભી કરાયેલ અલાયદી હોસ્પિટલ તથા તેની તૈયારીઓને સંપૂર્ણ ઓપ આપવા માટે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
મેડિકલ વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે મુખ્યમંત્રીશ્રીને વિવિધ વિભાગોમાં ઉભી કરાયેલ સગવડો વિશેની માહિતી આપી હતી. આ વેળાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.