*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર તરફથી મુખ્યમંત્રીને ૨૫ લાખ રૂપિયાની રાહત સહાયનો ચેક અર્પણ કરાયો

ગરવી ગુજરાતનો ગેબીનાદ ગગનગોખે ગુલાબી ગીતોનું ગૂંજન ગર્જી રહ્યો છે. એ જ ગરવી ગુજરાતની ગૌરવવંતી ગરીમા છે. સાંપ્રત સમય વિશ્વવ્યાપી કોરોનાનો કકળાટ કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવા કપરા સમયે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન , શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ નિર્દિષ્ટ કરેલ માનવ મૂલ્યોના જતન અર્થે – સેવાયજ્ઞ માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સદૈવ કટિબદ્ધ રહે છે.
વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તન, મન, ધનથી કાર્યરત છે. સમર્પિત સંતો અને સ્વયંસેવકો દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને ઔષધ વગેરેથી ભૂખ્યા, દુઃખિયા દીનજનોની સેવા કરવાનો લાભ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉઠાવી રહ્યા છે.
બાહોશ અને બહાદુર વડાપ્રધાનશ્રીએ ભાતીગળ ભારતના નાગરિકોના હિતાર્થે લોક ડાઉનનો નિર્ણય લીધો છે તે સરાહનીય છે.
કોરોના આફતનો સામનો કરવામાં સહભાગી થવા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, રૂપિયા ૨૫ લાખની સહાયનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં સાદર અર્પણ કરાઈ.
ગુજરાત અને ભારતભરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની જયાં જયાં શાખા અને પ્રશાખાઓ છે ત્યાં ત્યાં અનાજ-પાણી, દૈનિક ૪૮૦૦ ઉપરાંત જરૂરિયાતમંદોને ભોજન તથા ફુડપેકેટ્સ, લીલા શાકભાજીનું વિતરણ વગેરે તેમજ વિદેશમાં પણ વિવિધ જગ્યાએ સેવા યજ્ઞ ચાલુ છે.