જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં રૂ. ૫૦૦ જમા, નિયત તારીખે ઉપાડ કરવાનો રહેશે
બેન્કમાંથી તા. ૯ એપ્રીલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવી -કલેક્ટર શ્રી વિજય ખરાડી
દાહોદ, તા. ૦૪ : દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતગર્ત રૂ. ૫૦૦ જમા કરવામાં આવ્યા છે. જે રકમ ઉપાડવા માટે નિયત તારીખે બેન્કમાં ઉપસ્થિત થવાનું રહેશે.
લાભાર્થીઓએ બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે આ મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે. જે પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારનો ખાતાનો છેલ્લો આંકડો ૦ અથવા ૧ હોય તેમણે તા. ૦૩ એપ્રીલના રોજ, જેમનો ખાતાનો છેલ્લો આંકડો ૨ અથવા ૩ હોય તેમણે ૪ એપ્રીલના રોજ, છેલ્લો આંકડો ૪ અથવા ૫ હોય તેમણે ૭ એપ્રીલના રોજ, છેલ્લો આંકડો ૬ અથવા ૭ હોય તેમણે ૮ એપ્રીલના રોજ, છેલ્લો આંકડો ૮ અથવા ૯ હોય તેમણે ૯ એપ્રીલના રોજ બેન્કમાંથી ઉપાડ કરવાનો રહેશે.
આ તારીખો સિવાય ૯ એપ્રીલ બાદ પણ ખાતેદાર આ રકમ ઉપાડી શકે છે. બેન્કની શાખા, પોતાના વિસ્તારના બેન્કમિત્ર કે પોસ્ટમેન પાસેથી પણ રકમ ઉપાડવાની સુવિધા કરવામાં આવી છે. તા. ૫ એપ્રીલ અને તા. ૬ એપ્રીલ ના રોજ જાહેર રજા હોય બેન્કો બંઘ રહેશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ સંદર્ભે જણાવ્યું છે કે, મહિલા ખાતાધારકોએ બેન્કોમાં ખોટી ભીડ ન કરવી, રકમ ઉપાડતી વખતે સામાજિક અંતર જાળવવું. બેન્કમાંથી તા. ૯ એપ્રીલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવી. ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિની ચાલુ વર્ષની સહાયની રકમ પણ સરકાર દ્વારા જમા થયેથી ખેડૂતોને તુરત જાણ કરવામાં આવશે.