ગરીબ, શ્રમિકોની વ્હારે તિલકવાડા તાલુકાનું મહેસુલી પરિવાર
તિલકવાડા મામલતદાર કચેરીના કર્મયોગીઓએ રૂ. ૬૦ હજાર ખર્ચે જરૂરીયાતમંદોને ૧૫૦ જેટલી અનાજ-કિટ્સનું કરેલું વિતરણ
રાજપીપલા, રવિવાર : વૈશ્વિક કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાય તરીકેના અનેકવિધ પગલાંઓ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર-આરોગ્યતંત્ર ધ્વારા લેવાઇ રહયાં છે. ત્યારે હાલના લોકાડાઉનના સમયમાં સમાજના ગરીબ, શ્રમિક અને જરૂરીયાતમંદોને અનાજ કિટસના વિતરણ સહિત અન્ય જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સાથે ભોજન સેવા માટે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે પણ લોકો આગળ આવી રહ્યાં છે ત્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મામલતદાર કચેરીના મહેસુલી પરિવારે રૂા. ૬૦ હજારના ખર્ચે ૧૫૦ જેટલી અનાજ-કિટ્સનું વિતરણ કરવાની સાથે આ કર્મયોગીઓએ પણ માનવતાના સાદમાં તેમનો સુર પુરાવીને માનવતાની મહેકને પ્રસરાવી છે.
તિલકવાડા તાલુકાના મામલતદાર કચેરીના શ્રી કે.પી.ભડારી, શ્રી અનિલ વસાવા, શ્રી બારોટ, શ્રી ધર્મેશભાઇ દલવાડી, ડ્રાઇવર, પટ્ટાવાળા સહિતના તમામ કર્મયોગીઓએ આ અનાજ કિટ વિતરણમાં તેમનો ફાળો નોંધાવ્યો છે. રૂા. ૬૦ હજારના ખર્ચે ઘઉં, ચોખા, ચા-ખાંડ, તેલ, મીઠુ,મરચું, મસાલા, સાબુ વગેરે જેવી વિવિધ ૧૦ જેટલી ચીજવસ્તુઓ સાથેની કિટ્સ તૈયાર કરીને આવી ૧૫૦ જેટલી કિટ્સ ગઇકાલે તિલકવાડા, રતુડીયા, વનમાળા ,ઉચાદ, વોરા-વજેરીયા, કમોડ, વાડીયા કાલાઘોડા વગેરે જેવા ગામોમાં જાતે જઇને જરૂરીયાતમંદોને વિતરણ કર્યું છે.
નાયબ મામલતદારશ્રી કે.પી.ભંડારી વધુમાં જણાવે છે કે, જેઓની પાસે કોઇપણ પ્રકારનું રેશનકાર્ડ નથી તેવાં ગરીબ પરિવારોની ઉક્ત ગામોમાંથી વિગતો એકત્ર કરીને આવા જરૂરીયાતમંદોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે, આમ જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓને, સમાજના જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ થવા કરેલી જાહેર અપીલ અને આહવાનને તિલકવાડા તાલુકા મહેસુલી પરિવારે પણ પ્રતિસાદ આપીને સમાજ પ્રત્યેની તેમની કર્તવ્યનિષ્ઠા નિભાવી છે.