“કોરોના” સામેના યુદ્ધમાં ફરજરત સોનગઢ મામલતદાર ઓફિસના કર્મયોગીઓની થઈ આરોગ્ય તપાસ

વ્યારા: “કોરોના”ના સંક્રમણને રોકવા માટે રાતદિવસ ખડેપગે રહેનારા સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓના આરોગ્યની જાળવણી પણ જરૂરી છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે કાર્યરત મામલતદાર ઓફિસના 37 જેટલા કર્મચારી, અધિકારીઓના આરોગ્યની ચકાસણી સ્થાનિક તબીબી ટિમ દ્વારા કરવામાં આવી હતી.
સોનગઢના મામલતદાર શ્રી ડી.કે.વસાવાના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમને સોંપવામાં આવેલી કામગીરીમાં લાગી ગયું છે. ત્યારે રાતદિવસ ફરજરત રહેતા જુદા જુદા વિભાગોના કર્મચારી, અધિકારીઓ પણ સ્વસ્થ રહીને કામગીરી કરી શકે તે જરૂરી છે. ત્યારે જિલ્લાની અનેક કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સોનગઢ મામલતદાર કચેરીના 37 જેટલા કર્મચારી, અધિકારીઓની પણ સ્થાનિક તબીબી ટિમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. થર્મલ ગન ના મધ્યમથી આ કર્મચારીઓના શરીરનું તાપમાન નોંધી, તેમને ઉપયોગી જાણકારી પણ તબીબી કર્મયોગીઓ દ્વારા આપવામાં આવી હતી.