જનધન બેંક ખાતું ધરાવતી ૧૭,૧૨૬ મહિલાઓને રૂા. ૯૭.૮૪ લાખની ધનરાશિ ચુકવાઇ
વિવિધ બેંકોની ૪૭ શાખાઓ ઉપરાંત ૧૧૮ જેટલાં બેન્ક મિત્રો દ્વારા પણ જનધન મહિલા બચત ખાતાધારકોને થઇ રહેલી સહાય ચૂકવણી
આધારકાર્ડ અને અંગુઠા છાપના આધારે બેંકમિત્રના માધ્યમથી કોઇપણ બેંકના ખાતામાંથી ખાતાધારક રૂા. ૧૦ હજાર સુધીનો ઉપાડ કરી શકશે
આજે અને કાલે શનિ-રવિની રજાઓમાં બેંકમિત્રોની સેવાઓ ચાલુ રહેશે જેથી ખાતાધારકો ઉપાડ કરી શકશે
રાજપીપલા, શુક્રવાર : કોરોના એ કદીના અનુભવેલી રાષ્ટ્રીય કટોકટી અને કસોટી છે. ખાસ કરીને લોકડાઉનને લીધે નાના ધંધા,આવકના સ્ત્રોત અટકી જાય તેવા સમયે ગરીબ વર્ગના લોકોને મુશ્કેલી ના પડે એ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે વિશેષ આયોજનો કર્યા છે, તેની એક કડીના રૂપમાં ભારત સરકારના દ્વારા પી.એમ.ગરીબ કલ્યાણના વિશેષ આયોજન હેઠળ જનધન યોજનાના મહિલા ખાતા ધારકોના ખાતામાં રૂ.૫૦૦ ની સહાય જમા કરાવવાનું આયોજન કર્યું છે. એપ્રિલ ઉપરાંત મે અને જૂન મહિનામાં પણ મહિલા ખાતેદારોના ખાતામાં આ રકમ જમા થવાની છે.
આ યોજના જાહેર થતાં જ નર્મદા જિલ્લા કલેકટરશ્રીએ આ અંગે લીડ બેંકના મેનેજરશ્રીના માધ્યમથી તમામ સદસ્ય બેંકો દ્વારા આ રીતે જમા થયેલી રકમ મહિલા ખાતા ધારકો હાલના સંજોગોમાં ભીડ ભાડ વગર અને કોરોના વિષયક સલામતી પાળીને ઉપાડી શકે એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
લીડ બેંક મેનેજરશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા શહેર જિલ્લામાં પી.એમ જનધન યોજનાના કુલ ૨,૫૧,૭૪૯ ખાતાઓ છે.આ પૈકી ૧,૨૧,૪૫૭ ખાતા ધારક મહિલાઓ છે. કોરોના કટોકટીને અનુલક્ષીને કરવામાં આવેલા ભારત સરકારના આ વિશેષ આયોજન હેઠળ અત્યાર સુધીમાં એપ્રિલ મહિનાની સહાયના રૂપમાં રાજપીપલા શહેર નર્મદા જિલ્લાની પી.એમ.જનધન મહિલા ખાતેદારોના ખાતામાં રૂ.૬.૦૫ કરોડ જેટલી જંગી રકમ જમા થઈ ચૂકી છે. અને ગત તા. ૩,૪,૭,૮ અને ૯ મી એપ્રિલ એમ કુલ ૫ દિવસોમાં ૧૭,૧૨૬ મહિલા ખાતા ધારકોએ કુલ રૂા. ૯૭.૮૪ લાખનો ઉપાડ પણ કર્યો છે.
લીડ ડિસ્ટ્રીક્ટ બેંકના મેનેજરશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સહિત કુલ ૧૭ બેંકોની ૪૭ જેટલી શાખાઓ ઉપરાંત ૧૧૮ જેટલાં બેંકમિત્રો દ્વારા મહિલા બચત ખાતેદારોને જનધન ખાતામાંથી આ સહાયની રકમ ઉપાડવાની વ્યવસ્થા કરાઇ છે. જિ્લ્લાના બેંકમિત્રો જે તે ગ્રામપંચાયતની ઇ- ધરા સેવાઓ ઉપલબધ્ધ છે તેના માધ્યમથી સવારના ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી ખાતાધારકોને ઉપાડ માટેની સુવિધાઓ આપી રહ્યા છે. તા. ૧૧ અને ૧૨ મી એપ્રિલ, ૨૦૨૦ ના જાહેર રજાના દિવસોમાં પણ આ બેંકમિત્રો તેમની સેવાઓ ચાલુ રાખશે,
જેથી મહિલા બચત ખાતેદારો આ શનિ-રવિની રજામાં પણ જે તે બેંકમિત્રોના માધ્યમથી ઉપાડ કરી શકશે. શ્રી પ્રજાપતિએ ઉક્ત દિવસો દરમિયાન રાજપીપલા શહેર અને જિલ્લાની વિવિધ બેંકોની શાખાઓ અને જે તે ગામના બેંકમિત્રોની સતત રૂબરૂ મુલાકાત લઇને આ કામગીરીના નિરીક્ષણ સાથે તેનું મોનીટરીંગ કરી રહ્યા છે અને લાભાર્થી મહિલા ખાતાધારકોની જરૂરી સુવિધા જળવાઇ રહે તે જોવાની પણ સુચનાઓ આપી હતી.