સંજેલી બેન્ક ઓફ બરોડામાં બેંક બેલેન્સ ચેક ન કરી આપતા લોકોને હાલાકી
છેલ્લા ઘણા સમયથી પ્રિન્ટર મશીન પણ બંધ હાલતમાં.
(ફારૂક પટેલ પ્રતિનિધિ સંજેલી) સંજેલી ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં છેલ્લા કેટલાય મહિનાથી પ્રિન્ટર મશીન ધૂળ ખાય છે.જેના કારણે ગ્રાહકોને પાસ બુકમાં પણ જમા ઉધારની એન્ટ્રીઓ પડતી નથી.હાલ સરકાર તરફથી વિવિધ યોજનાના નાણાં જમા કરવામાં આવે છે તે નાણાં ખાતામાં જમા થયા છે કે નહીં તે જાણવું બહુ મુશ્કેલ બન્યું છે. બેંકના કર્મચારીઓ ખાતેદાર ને બેન્ક બેલેન્સ વિશે પણ માહિતી આપતા નથી.જેથી ખાતેદારને લાઇનમાં ઉભા રહીને પણ વિલા મોડે પાછું ફરવું પડે છે.
છેલ્લા એક માસ ઉપરાંતથી બેંક ઓફ બરોડાનું એટીએમ પણ શોભાના ગાંઠિયા સમાન ઊભું છે જે પણ બેન્કના વહીવટી દ્વારા શરૂ કરવા માટે તસ્દી પણ લેવામાં આવતી નથી બેન્ક બેલેન્સ જાણવા માટે મોબાઇલથી ટોલ ફ્રી નંબર પર કોલ કરવા જણાવે છે .ગ્રામ્ય વિસ્તારની અભણ પ્રજાને આ વિશે પૂરતું નોલેજ પણ નથી તેમજ કેટલાક ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં મોબાઇલ નંબરો પણ હોતા નથી જેના કારણે ખાતેદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.