ભિલોડામા પિતાએ પુત્રને કામ-ધંધા અંગે ઠપકો આપતા પુત્રેએ ઢાળિયામાં આગ લગાડતા બે ભેંશ અને પાડેરું આગમાં ખાખ

સંતાનને કારણે માતા પિતાને રોવાનો વારો આવ્યો હોય તેવો એક કિસ્સો અરવલ્લીના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે બન્યો હતો ભાણમેર ગામે ખેડૂતે તેમનો પુત્ર કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી ઠપકો આપતા એકાએક ઉશ્કેરાયેલ પુત્રએ પિતા સામે પથ્થરનો ઘા ઝીંકી મગજ પરનો કાબુ ગુમાવી ઘર નજીક પશુઓ રાખવા માટે બનાવેલ ઢાળીયા (તબેલા) માં દીવાસળી ચોપી દેતા ઢાળિયું ભડભડ સળગી ઉઠતા ઢાળિયામાં બાંધેલ બે ભેંશ અને નાનું પાડેરું આગમાં સ્વાહા થઇ જતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વંઠેલ પુત્રને પાઠ ભણાવવા ન છૂટકે ખેડૂત પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ કે. કે રાજપૂતે કાયદેસરની કાર્યવાહી હાથધરી પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભિલોડા તાલુકાના ભાણમેર ગામે ખેતીકામ અને પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવતા રત્નાજી વાલજીભાઇ ડામોરે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે તેમનો પુત્ર જીતેન્દ્ર કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી ઠપકો આપતા જીતેન્દ્રને લાગી આવતા પિતા તરફ છુટ્ટા પથ્થરોનો ઘા કરી આજે તમને બતાવી દેવું છે.
કહી માચીસ લઈ ઘર નજીક પશુઓ અને ઘાસચારોનો સંગ્રહ કરવા બનાવેલા ઢાળિયામાં દીવાસળી થી આગ લગાવી દેતા ઢાળિયું ભડભડ સળગી ઉઠતા ઢાળિયામાં બાંધેલ બે ભેંસ અને એક પાડેરું પણ આગમાં ખાખ થઈ જતા ભારે ચકચાર મચી હતી ઢાળિયામાં આગ લગાવી જીતેન્દ્ર ડામોર ફરાર થઈ ગયો હતો.
ભાણમેર ગામના રત્નાજી વાલજીભાઇ ડામોરે પુત્રના અસહ્ય બનેલા ત્રાસના પગલે કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કરી ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે પિતાની ફરિયાદના આધારે જીતેન્દ્ર રત્નાજી ડામોર વિરુદ્ધ ઇપીકો કલમ-૪૩૬, ૩૩૭,૪૨૯ મુજબ ગુન્હો નોંધી આરોપી પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.