ગામડાઓના પ્રવેશદ્વાર પર આવન-જાવન પર પ્રતિબંધના બોર્ડ લાગ્યા
અમદાવાદ, કોરોનાની મહામારીના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનનો કડક અમલ કરાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મોટી સખ્યામા પોઝિટિવ કેસ નોધાયા છે ત્યારે અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં તેનું સક્રમણ ન વધે તેની તકેદારીના ભાગરુપે શહેરમાંથી ગામડાઓમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જિલ્લાના મહત્તમ ગામોમાં પ્રવેશબધી દર્શાવતા બોર્ડ લગાવી દેવાયા છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, ‘અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં આ રોગનું સક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. દરેક ગામમાં ‘ ગ્રામ યોદ્ધા કમિટી’ બનાવવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ૪૬૪ જેટલા ગામોમાં બનનારી આ કમિટીમા સરપંચ, તલાટી, એક અગ્રણી ગ્રામજન, શિક્ષક અને હેલ્થ વર્કરનો સમાવેશ કરાનાર છે.
શ્રી અરુણ મહેશ બાબુ કહે છે કે ‘ ગામમાં કોણ આવે છે , કોણ જાય છે? તેની સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું છે. જિલ્લાના ગામડાઓમાં અવર જવર પર નજર રાખવા રજિસ્ટર રાખવામાં આવ્યાં છે જેમા અવર જવર કરનારની તમામ વિગતો એકઠી કરાશે…”
જિલ્લાના તમામ ગામોમાં આ પ્રકારના બોર્ડ અને રજિસ્ટર મુકવામાં આવ્યા છે. ફેરિયાઓ માટે પણ પ્રતિબંધ મુકાયો છે અને અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં સરપંચ, તલાટી કે કમિટીની મંજુરી લઇને જ પ્રવેશ આપી શકાશે..
શ્રી અરુણ મહેશ બાબુ કહે છે કે, ‘ ગામમાં સામાન્ય રીતે એવુ માળખું હોય છે કે તેમને બીજા પર આધારિત નથી રહેવુ પડતું તેમ છતા ગામમાં કોઇ પણ વસ્તુની અછત ન પડે તે માટે તકેદારી રાખી છે અને ગામના સાધન સંપન્ન પરિવારોને પણ અપીલ કરી છે કે, ગામના ગરીબ-પિડીત પરિવારોને કોઇ પણ તકલીફ ન પડે….” એમ તેઓ ઉમેરે છે…