Western Times News

Gujarati News

ડો. બાબાસાહેબ આંબેડકરની  ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે ભાવસભર અંજલિ અર્પણ

 ડો.બાબાસાહેબ આંબેડકરના શબ્દો ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ ને વાસ્તવમાં સાર્થક કરવાનો સમય છે
 ડૉ. બાબસાહેબ આંબેડકરે સૌને એક બનવાનો અને સામાજિક સમરસતાના સૌહાર્દથી સંગઠિત થવાનો રાહ બતાવ્યો
 ડૉ. બાબાસાહેબે આપેલા બહુમુલ્ય યોગદાન પાછળ એમના જીવનનો એક જ મંત્ર હતો. ‘પહેલાં પણ દેશ-અંતમાં પણ દેશ’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહામાનવ ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતીના અવસરે પ્રવર્તમાન પરિસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જ ડો.આંબેડકરની લઘુ પ્રતિમા પ્રતિકૃતિ અને તસવીરને પ્રણામ કરીને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવ સભર અંજલિ આપતા જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબના નામથી જગવિખ્યાત ડો. આંબેડકરે ભારતના શોષિત, પીડિત લોકો માટે પોતાનું સંર્પૂણ જીવન સમર્પિત કરી દીધું હતું. એમણે ‘સ્વ’ની ચિંતા છોડી ‘સર્વ’ માટે જીવનની ક્ષણ-ક્ષણ અર્પિત કરીને જ ડૉ. બાબાસાહેબ આંબેડકર માનવમાંથી મહામાનવ બની શક્યા.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતુ કે, ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના બે સપનાઓ હતા. એક સમાજના છેવાડાના વંચિત બાંધવોનું ઉત્થાન થાય, સૌર શક્તિશાળી બને, સૌ શિક્ષિત બને, સંઘર્ષ કરે જેનાથી લોકોમાં એક આત્મવિશ્વાસ ઊભો થાય અને તેઓ સમરસ થઇ શકે. જ્યારે બીજુ નેશન ફર્સ્ટ એટલે કે ભારત દેશ ઉન્નત બને એ એમનું સપનું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સૌને એક બનવાનો અને સામાજિક સમરસતાના સૌહાર્દથી સંગઠિત થવાનો રાહ બતાવ્યો હતો. અત્યારે વિશ્વ આખાની માનવજાત કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહી છે, ત્યારે એકસો ત્રીસ કરોડ ભારતવાસીઓ એક થઇ – નેક થઇ, સૌ સંગઠિત થઇને જ્ઞાતિ-જાતિ અને સંગઠનોને ભૂલી જઇને એક ભારતીય તરીકે આ મહામારી સામેનો જંગ જીતવા સંકલ્પબદ્ધ બન્યા છે. તેની પ્રેરણા બાબાસાહેબના ચીધેલા સમરસતા-સમતાના દર્શનથી મળી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ કોરોના સંક્રમણ સામે આપેલા લોકડાઉનના કોલને સૌ એકજૂથ થઇને સંગઠિત બનીને એકબીજાની ચિંતા કરીને મદદરૂપ થઇને સફળ બનાવી રહ્યા છે તે જ પૂજ્ય આંબેડકરજીના સામાજિક સમરસતા અને બંધુત્વ ભાવનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ડો.બાબાસાહેબે કહ્યું છે કે આપણા રાષ્ટ્રની ઉન્નતિ અને દુનિયાના રાષ્ટ્રોમાં આપણને માન મળે એવું ઇચ્છતા હોઇએ તો સમાજમાં સામાજિક સમતા અને બંધુતા એ આપણે લાવવી પડશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ડો.બાબાસાહેબ આંબેડકરનું સપનું નૂતન ભારતના નિર્માણનું હતું. એમણે સમસ્યાના નિવારણ માટે જળનીતિ, જળક્રાંતિ, વીજળી ઉત્પાદન અને ઊર્જાનીતિ એવા અનેક વિઝન અને આર્થિક સમસ્યાઓના નિરાકરણનો માર્ગ સૂચવ્યા હતા. ભારતની મજબૂત સક્ષમ વિદેશનીતિ પણ એમણે રજૂ કરી હતી. ભારતની ઔદ્યોગિક નીતિ-રિતી જેમાં ઉદ્યોગોની સાથે કામદોરોની ચિંતા અને ભારત પોતાના સ્વ બળે વિશ્વમાં સમર્થ બને એવી ઉદ્યોગ નીતિ પણ એમણે ઘડી હતી.

ભારતીય સંવિધાન દ્વારા સામાજિક સમતા, સમરસતા અને રાષ્ટ્રીય એકતા-એકાત્મતાના અધિષ્ઠાનની રચના પણ ડો. બાબાસાહેબ આંબેડકરે કરી હતી. સમતા-મમતા-બંધુતાના મંત્ર દ્રારા સૌનો સાથ-સૌનો વિકાસની પણ તેમણે કામના કરી હતી. એમનો હંમેશા સકારાત્મક દ્રષ્ટ્રિકોણ રહ્યો હતો અને એમની મથામણ રાષ્ટ્ર અને સમાજને તોડવાની નહીં પણ જોડવાની રહી હતી. એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે હંમેશા સમાજના છેવાડામાં બેઠેલા વ્યક્તિના કલ્યાણની કામના કરી. સામાજિક અન્યાયો અને વિષમતાઓથી સમાજ અને દેશ નબળો પડે છે એ વાત મક્કમતાથી મૂકીને બંધારણમાં સૌને સંપૂર્ણ અધિકારો આપ્યા. જેમાં ગરીબ, છેવાડાનો માણસ, પીડિત કે મહિલાઓ હોય સૌને સમાન અધિકારો આપ્યા. આ જ બંધારણ અને ડો બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા અધિકારોને કારણે જ આજે ભારત એક મહાસત્તા બનવા તરફ આગળ પણ વધી રહ્યું છે.

આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે મજૂર હિતોને પ્રાધ્યાન્ય આપ્યું અને નારીના વ્યક્તિત્વના સામર્થ્ય અને એના અધિકાર માટે તેઓ દ્રઢ સંકલ્પિત રહ્યા હતા. આ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં ડૉ. બાબાસાહેબે આપેલા બહુમુલ્ય યોગદાન પાછળ એમના જીવનનો એક જ મંત્ર હતો. ‘પહેલાં પણ દેશ-અંતમાં પણ દેશ’- ‘We are Indian firstly and lastly.’

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત માતા જગદ્દગુરૂ બનવાની સજ્જ બની શકે અને વિશ્વમાં મોટામાં મોટી લોકશાહી રાષ્ટ્રના નાગરિકોને લોહશાહીના બધા અધિકારો ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણના પાયામાં સૌને આપ્યા છે. આવા મહામૂલા સંવિધાનના ઘડવૈયા, સામાજિક સમરસતા જગબંધુતાના પ્રખર હિમાયતી ડૉ. બાબાસાહેબ આંબેડકરને આજે તેમની જન્મજ્યંતિએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી શત શત વંદન કરૂં છું.

મુખ્યમંત્રીશ્રીએ ડૉ. આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં એમ પણ જણાવ્યું કે, ભારત માતાના આ સપૂતનું જીવન આપણા સૌને સદાસર્વદા પ્રેરણા આપતું રહ્યું છે. સમરસતા-સમતા-બંધુતા અને એકતાના મંત્ર સાથે ભારત માતાને ભવ્ય ભારત બનાવવા અને જગદગુરૂ બનાવવા એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અને આજે પણ તેમના આર્શિવાદ આપણે મળતા રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.