બાયડના ભુખેલ ગામે બે પિતરાઈ બહેનો નદીમાં ડૂબી જતા મોત નિપજતા ચકચાર :

કપડાં ધોવા જતા નદીમાં પગ લપસતાં ગરકાવ
કોરોના કહેર વચ્ચે બાયડના ભુખેલ ગામે ભરવાડ પરિવાર પર આકસ્મિક આફત આવી પડી હતી ગામ નજીક થી પસાર થતી વાત્રક નદીમાં ભરવાડ પરિવારની બે પિતરાઈ બહેનો કપડાં ધોવા જતા એક બહેનનો પગ લપસતાં અન્ય બહેન બચાવવા જતા બંને બહેનો પાણીમાં ગરકાવ થઈ જતા ભારે ચકચાર મચી હતી.
કપડાં ધોવા ગયેલી પિતરાઈ બહેનો ઘરે પરત ન ફરતા પરિવારજનો નદીએ જતા બંને બહેનો નદીમાં ગરકાવ થઈ ગઈ હોવાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બહેનોની લાશને નદી માંથી ભારે જહેમત બાદ બહાર કાઢી હતી બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક બંને સગીરાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડના ભુખેલ ગામની સીમમાં રહેતા ભરવાડ પરિવારની ૧) બદીબેન વસ્તાભાઈ ભરવાડ અને ૨)મનુબેન હેમાભાઇ ભરવાડ (ઉં.વર્ષ બંને-૧૫) ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં કપડાં ધોવા જતા અગમ્ય કારણોસર ડૂબી જતા ભારે ચકચાર મચી હતી.
બંને બહેનોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો એક જ પરિવારની બે બહેનોના નદીમાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું
બાયડ પોલીસે વસ્તાભાઈ ભાઈ લાખાભાઇ ભરવાડની જાહેરાતના આધારે આકસ્મિક મોતનો ગુન્હો નોંધી બંને મૃતક સગીરાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી