Western Times News

Gujarati News

હાથરૂમાલ કે કપડાથી નાક અને મોઢું નહીં ઢાંકનાર પાસેથી દંડ વસુલવામાં આવશે

પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યાએ માસ્ક, હાથરૂમાલ કે નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકવુ ફરજીયાત

આ જાહેરનામાના ભંગ બદલ પ્રથમ વાર રૂ.૨૦૦ અને ત્યારબાદના દરેક વખતના ભંગ બદલ રૂ.૫૦૦નો દંડ વસુલ કરવામાં આવશે

માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લામાં COVID19 ના કેટલાક પોઝીટીવ કેસો મળી આવેલા છે. જેથી COVID19નો વધુ ફેલાવો થતો અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાપડથી મોઢું અને નાક ઢાંકવા માસ્ક અથવા હાથરૂમાલનો ઉપયોગ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફેસિયલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસનો ફેલાવો થતો નોંધપાત્ર રીતે અટકાવી શકાય છે તેવુ કેટલાક અભ્યાસોમાં જણાયું છે. તેથી ગુજરાત એપિડેમીક ડીસીઝ COVID19 રેગ્યુલેશન્સ,૨૦૨૦ની કલમ-૧૧ હેઠળ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ વ્યક્તિઓ જ્યારે તેઓ જાહેર જગ્યાએ હોય ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવું જોઈશે અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકી રાખવાનું રહેશે તેમ ફરમાવ્યું છે.

આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં તા.૧૮.૦૪.૨૦૨૦ના સવારના ૦૫.૦૦ કલાકથી શરૂ કરીને તા.૦૩.૦૫.૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો પ્રથમવાર ભંગ થયે રૂ.૨૦૦ તથા ત્યારબાદના દરેક વખતના ભંગ બદલ રૂ.૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે. સ્થળ પર આ દંડ ભરવામાં ચૂક થયે ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ અને એપિડેમીક ડિસીઝ એક્ટ-૧૮૯૭ની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે જરૂરી પગલાં લેવા-દંડ વસૂલ કરવા તથા લેખિત ફરિયાદ નોંધાવવા માટે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને, નગરપાલિકાના અધિકારીશ્રીઓને, આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓને, પંચાયત ખાતાના કર્મચારી-અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.