શાકભાજી ફેરિયા- દુકાનદારો સાયલન્ટ કેરિયર સાબિત થાય તેવી દહેશત

અમદાવાદમાં લોકડાઉન અને કરફ્યુ એમ બંને નો અમલ થઈ રહ્યો છે.પરંતુ આ અમલ માત્ર કાગળ પર જ હોય તેમ સાબિત થઈ રહું છે. જેના કારણે કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 18 એપ્રિલે 282 કેસ જાહેર થયા હતા. જયારે 19 એપ્રિલે વધુ 140 કેસ જાહેર થયા છે. મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા સેમ્પલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાથી કેસ વધી રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહયા છે. પરંતુ કોરોના ના સાયલન્ટ કેરિયર સાબિત થઈ શકે તેમની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. મ્યુનિ. કમિશનરે 16 એપ્રિલ થી શાકભાજી ના હોલસેલ અને છૂટક વેપારીઓને રેડઝોન વિસ્તારમાંજ છૂટ આપી છે. ગુજરી બજાર અને ગીતામંદિર માં માર્કેટ શરૂ થયા છે.
જયારે બહેરામપુરા સહિત અનેક વિસ્તારોમાં શાક ની લારીઓ ફરતી જોવા મળે છે. નિષ્ણાતો ના મંતવ્ય મુજબ શાક કે ફ્રૂટ ની ફેરી કરનાર લોકો ના ટેસ્ટ કર્યા બાદ જ તેમને ધંધો કરવા છૂટ આપવી જોઈએ. અન્યથા આ લોકો સાયલન્ટ કેરિયર સાબિત થઈ શકે છે જેમના કારણે મોટી સંખ્યામાં સંક્રમણ વધી શકે છે. થોડા દિવસ પહેલાં ફ્રૂટ ની લારીવાળા ની પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો આ ભાઈ અલગ અલગ સાત વિસ્તારમાં ફરીને ધંધો કરતા હતા. બહેરામપુરા ની જે ચાલીમાંથી મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા છે તે ચાલીમાં વસવાટ કરનાર શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા છે. શાકભાજી અને ફ્રૂટ ની લારી સાથે તમામ દુકાનદાર ની પણ ચકાસણી કરવી જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ તરફ ધ્યાન નહિ આપે તો લોકડાઉનનો ચુસ્ત અમલ કરનાર લોકો ના ઘર સુધી કોરોના પહોંચી જશે તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે.