અમદાવાદ જિલ્લો -છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ નહી- એક પણ પોઝીટીવ કેસ નહી
૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ
કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે, જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે. જિલ્લામાં આજે ૧૯૯ સેમ્પલ લેવાયા છે તે પૈકી ૧૯૭ નેગેટીવ અને ૨ કેસ પોઝીટી જણાયા છે. આ સાથે અત્યાર સુધીમાં લેવાયેલા કુલ ૭૬૨ સેમ્પલ પૈકી ૭૪૪ નેગેટીવ અને ૧૮ કેસ પોઝીટીવ જણાયા છે. તે પૈકી ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૫ દર્દીઓ રીકવર થયા છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે…” અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે, જો કે જિલ્લા માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી અને એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જિલ્લામાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી તેની પાછળ તંત્ર દ્વારા સતત સર્વે- ફ્યુમિગેશન- સેનીટાઈઝન- આયુર્વેદિક ઉકાળા વિતરણ જેવા પગલાને પરિણામે આવી સુખદ પરિસ્થિતિ નિર્માણ પામી છે.
જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે આ તમામ ચેકપોસ્ટ સેનીટાઇઝ કરવામાં આવેલ છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ આઠ ચેક પોસ્ટ પર અત્યાર સુધી ૬૭,૦૧૨ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવાત્ત કે શંકાસ્પદ જણાતા ૨૪ જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી ૭,૩૨૪ પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી. સાથે સાથે ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. ૪૬૦ ગામોમાં આવા ૧૬,૦૩૩ લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે…” એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ ૧,૩૦૩ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી ૬૭૩ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ૬૩૦ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
કોવીડ-૧૯ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમીલી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી ૫૮ વ્યક્તિઓ, કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા ૧૭૦ અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા ૩૯ મળી કુલ ૨૬૭ લોકો છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ ૧૧,સાણંદ તાલુકામાં ૩, તથા બાવળા, વિરમગામ, ધંધુકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ ૧૬ લોકો પોઝીટીવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
અમદાવાદ શહેરમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનીટાઈઝની વિસ્તૃત કામગીરી કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ઘરોને સેનીટાઈઝ કરાયા છે. “આ બહુ મોટુ ટાસ્ક હોવા છતા આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા દિવસ-રાત લકામગીરી કરાઈ છે. એમ શ્રી અરૂણ મહેશ બાબુએ ઉમેર્યુ હતું.