દેશના 5 કરોડથી વધુ યુઝર્સ વાપરી રહ્યાં છે આરોગ્ય સેતુ એપ
આરોગ્ય સેતુ મોબઈલ એપ ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ- પાટણ જિલ્લાના 52 હજારથી વધુ લોકોએ પ્રધાનમંત્રીની અપીલને અનુસરી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
સમગ્ર વિશ્વને આજે કોરોનાની મહામારીનો ભય સતાવી રહ્યો છે ત્યારે તેની સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ ઍપ લોન્ચ કરવામાં આવી છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને કોવિડ-19ની જરૂરી માહિતી મેળવવા અને સુરક્ષા માટે લોકોને આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા અપીલ કરી હતી.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, આરોગ્ય સેતુ એપે લોન્ચ થયાના માત્ર 13 દિવસમાં 5 કરોડ યુઝર્સ મેળવ્યા આ એક અદ્વિતીય સિદ્ધિ છે.
ગુજરાતના પાટણ જિલ્લામાં આશરે 52000 હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે અને તેના માધ્યમથી આ લોકો સાચી માહિતી મેળવી રહ્યા છે અને કોવિડ-19ના સંક્રમણને લગતા જોખમો સહિતની માહિતી આપતી આ એપનો ઉપયોગ કરી રહ્યા છે.
પાટણના દિનેશભાઈએ પીઆઈબીના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીએ અપીલ કરી પછી મેં મારા મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી, હું નિયમિત તેમાથી કોરોનાની જરૂરી માહિતી મેળવી રહ્યો છું. સરકારે આ ખૂબ સરસ કામ કર્યું છે, હું આરોગ્ય સેતુ એપને કારણે ખોટી માહિતીથી બચીને જરૂરી બધી માહિતી એક જગ્યાએથી મેળવી શકુ છું”
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામના રાજેશભાઈ કેશાજી મકવાણાએ પીઆઈબીના પ્રતિનિધિને આરોગ્ય એપ વિશે જણાવ્યું હતું કે, “મેં પણ પ્રધાનમંત્રીની અપીલ બાદ કોરોના વાયરસ સામે લડવા અને તે વિશે પુરી માહિતી મેળવવા આરોગ્ય એપ ડાઉનલોડ કરી છે, તેમાં કોરોના મહામારીથી બચવા શું ધ્યાન રાખવું અને કેવા પગલા લેવા તેની માહિતી આપેલી છે. હું અને મારો પરિવાર આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી ખોટી અફવાઓથી બચીએ છીએ તેમજ સુરક્ષિત છીએ.”
આરોગ્ય વિષયક આ એપમાં નીચે મુજબની જાણકારી તમે મેળવી શકો છો:
ગુજરાતી સહિત દેશની 11 ભાષામાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ ઍપમાં વ્યક્તિના લૉકેશન અને સામાજિક ગ્રાફની મદદથી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તથા કોરોનાવાયરસના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ આપવામાં આવ્યું છે. ઉપરાંત ઍપ મારફતે સેલ્ફ ટેસ્ટના માધ્યમથી શંકાસ્પદ લક્ષણોની માહિતી દાખલ કરી વ્યક્તિને કોરોનાવાયરસના લક્ષણો કે જોખમ છે કે નહીં તે પણ જાણી શકાય છે તથા દેશભરના તમામ રાજ્યોમાં પ્રવર્તી રહેલી કોરોનાવાયરસ સંક્રમણની પરીસ્થિતિ વચ્ચે COVID-19 પોઝિટીવ કેસ સહિતની સચોટ આંકડાકિય માહિતી પણ આરોગ્ય સેતુ ઍપ મારફતે મેળવી શકાય છે. PIB Ahmedabad