સારસ્વતોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨૬,૮૫,૧૧૮/- દાન આપ્યું
હિંમતનગર તાલુકા શિક્ષક સંઘના શિક્ષકોએ દેશ માટે પોતાની ફરજ બજાવી
કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આ મહામારીમાં જિલ્લાના સારસ્વતો સરકારની પડખે ઉભા રહી પોતાની સામાજિક, આર્થિક, નૈતિક તમામ ફરજો બજાવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીની અપીલને પગલે હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલને મળીને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨૬,૮૫,૧૧૮/-નો ચેક અર્પણ કરી પોતાની નૈતિક ફરજ બજાવી છે.
આ સમયે આપણા દેશમાં આ મહામારીથી નાગરીકોને બચાવવા માટે વડાપ્રધાનશ્રી દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરીસ્થિતિમાંથી શિક્ષકો દ્રારા દરેક તબક્કે સરકારની મદદ કરવામાં આવી રહી છે. પોતાના આરોગ્યની દરકાર કર્યા વિના શિક્ષકો દ્રારા હાઉસ ટુ હાઉસ સર્વે હોય કે પછી કોરોના જાગૃતિ અંગેનુ કામ હોય શિક્ષકો પોતાની ફરજ પોતાની સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી બજાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષકોએ પોતાની દેશ પ્રત્યેની આર્થિક ફરજના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીની અપીલના પગલે રૂ. ૨૬,૮૫,૧૧૮/- જેટલુ માતબર દાન કોરોના સામેની લડાઇ માટે રાજ્ય સરકારને આપી એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે શિક્ષક માત્ર વિધ્યાનું જ દાન નથી કરતા પરંતુ જરૂર પડે તેઓ દેશ માટે ધનનુ પણ દીલદારીથી દાન કરે છે.
હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનયકુમાર જે. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીશ્રી કેતન પટેલ અને શ્રી રાજેન્દ્ર પ્રજાપતિ અને સંઘના આગેવાન અમૂલ પટેલે કલેક્ટરશ્રીને ચેક અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. વહિવટી તંત્ર અને રાજ્ય સરકાર વતી જિલ્લા કલેક્ટરશ્રીએ હિંમતનગર તાલુકાના તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો.