હેર કટીંગ સલૂન, ચ્હા –ટી સ્ટોલ- હોટલ રેસ્ટોરન્ટ શરૂ નહિં થાય
કન્ટેનમેન્ટ ઝોન બહારની આઇ.ટી તેમજ આઇ.ટી.ઇ.એસ ઇન્ડસ્ટ્રીઝ પ૦ ટકા સ્ટાફ સાથે શરૂ કરવા મંજુરી અપાશે -: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
એટલું જ નહિ, દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે તેમજ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં.
શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે. રાજ્યમાં જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહિ. ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે, તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે પણ એક અગત્યનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમીતિઓની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થનારી છે તેવી બજાર સમિતિઓની મુદત તા.૩૧ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે.
શ્રી અશ્વિનીકુમારે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતીઓની વ્યવસ્થાપન સમિતીની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, અંત્યોદય અને PHHના NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વધારાના આપવાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં ૪.પ લાખ પરિવારો આ અનાજ વિતરણનો લાભ લઇ ચૂકયા છે એમ પણા તેમણે જણાવ્યું હતું.
શ્રી અશ્વિનીકુમારે રાજ્યના માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનોની વેચાણ માટે થયેલી આવકની વિગતો આપતાં જણાવ્યું કે, પ લાખ પ૯ હજાર કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે તેમાં ર લાખ ૯૯ હજાર કવીન્ટલ ઘઉં, ૧ લાખ પપ હજાર કવીન્ટલ એરંડા અને ૩૦૬પ૮ કવીન્ટલ રાયડો મુખ્યત્વે છે. રાજ્યમાં લોકડાઉનના બત્રીસમાં દિવસે ૪૮.૮૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે તેમજ ૧ લાખ ૧૪ હજાર ૯પ૭ કવીન્ટલ શાકભાજી અને પ૦પ૪ કવીન્ટલ ફળોનો આવરો થયો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.