માંડલ પાંજરાપોળને પશુ નિભાવ માટે રાજ્ય સરકારની રૂ. ૮ લાખની સહાય

રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી
રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર રાત-દિવસ કાર્યરત છે. રાજ્યમાં ઓછામાં ઓછો કોરોના સંક્રમણથી ફેલાય અને ઓછામાં ઓછી માનવ ખુવારી થાય તે માટે તંત્ર ખડેપગે છે.
રાજ્ય સરકારની માનવ માત્રની જ નહીં પરંતુ અબોલ પશુ- પક્ષીઓ પ્રત્યેની સંવેદના પણ અવાર-નવાર રાજ્ય સરકારના નિર્ણયથી પ્રતિબિંબિત થતી રહે છે.
આવા જ એક નિર્ણય દ્વારા રાજ્ય સરકારે પાંજરાપોળમાં રહેલા પશુ દીઠ રૂ.૨૫ ના અનુદાનની જાહેરાત કરી છે, તે અંદર અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા માંડલ મહાજન પાંજરાપોળને માત્ર પંદર દિવસ માટે રૂ. ૮ લાખની સહાય આપવામાં આવી છે. ચાલુ મહિનાના બાકી પંદર દિવસ માટે અલગથી રૂ. ૮ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ માત્ર એક મહિનાના ગાળા માટે માંડલ પાંજરાપોળ સંસ્થાને રૂ.૧૬ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માંડલ પાંજરાપોળ સંસ્થામાં ૪૭૦ નાના પશુ અને ૧૬૫૨ મોટા પશુ મળી કુલ ૨,૧૨૨ પશુઓ આશ્રય મેળવી રહ્યા છે.
માંડલ પાંજરાપોળ સંસ્થામાં દરરોજ પશુઓને ૮ કિલોગ્રામ ઘાસચારો આપવામાં આવે છે. વર્તમાનમાં સંસ્થા પાસે ૪.૭૫ લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. કોરોનાના સંક્રમણ વચ્ચે અબોલ પશુઓનું ધ્યાન રાખતા માંડલ પાંજરાપોળ સંસ્થાના પશુઓનું વેક્સિનેશન પણ કરવામાં આવ્યું છે. તદુપરાંત, પશુઓને ગરમીમાં તકલીફ ન પડે તે માટે છાંયડાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પાણીની પણ પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી પશુઓને ઉનાળાની ગરમી દરમિયાન તકલીફ ન પડે.
માંડલ ખાતે મૃત્યુ પામતા ઢોરને ઉઘરોજપુરા ખાતે લઇ જઇ તેના મૃત શરીરનો નિકાલ કરવામાં આવે છે. જૈન શ્રેષ્ઠીઓ દ્વારા આ સંસ્થાને સારું એવું દાન તો મળે જ છે. આ ઉપરાંત જૈનો દ્વારા પશુઓને નવકાર મંત્ર પણ સંભળાવવામાં આવે છે. પશુઓ દ્વારા જે પણ છાણ પેદા થાય છે તેને આ સંસ્થામાં વિખેરી નાખવામાં આવે છે કારણ કે પડી રહેલાં છાણમાં જીવાત પડતી હોય છે.
આ રીતે નાની એવી જીવાતના જીવનું પણ રક્ષણ થાય તેવી સંવેદનાથી મંડળ પાંજરાપોળ સંસ્થામાં પશુઓની જાળવણી કરવામાં આવે છે. માંડલ પાંજરાપોળ સંસ્થાને ૧૫ દિવસ માટે રૂ. ૮ લાખની સહાય મળતા સોનામાં જ્યારે સુગંધ ભળી છે. અબોલ પશુઓની સેવામાં રાજ્ય સરકારની આ સહાય મહત્વપૂર્ણ સાબિત થશે.