પંચમહાલના ૪૬૭ ગામોને કોરોના મુક્ત બનાવવા સરપંચોએ કર્યો સામૂહિક સંકલ્પ
માસ્ક અવશ્ય પહેરીશ- વારંવાર સાબુથી હાથ ધોઈશ દો ગજ કી દૂરીથી વિજય સંકલ્પથી
કોરોના સંક્રમણથી બચવા પ્રતિબદ્ધ થવા ગ્રામીણ નાગરિકોને શ્રી વિજયભાઈ રૂપાણીની અપીલ
મારું ગામ કોરોના મુક્ત ગામનો સંકલ્પ પ્રત્યેક સરપંચ કરે-મુખ્યમંત્રીશ્રીનું ગુજરાત સ્થાપના દિવસે આદિજાતિ પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદમાં પ્રેરક આહ્વાન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦માં ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ આદિજાતિ બાહુલ્ય વિસ્તાર પંચમહાલના ગામોના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન કોરોના વાયરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં અટકાવવા દરેક સરપંચ ‘‘મારું ગામ કોરોના મુક્ત ગામ’’ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીના આહ્વાનને પ્રતિસાદ આપતા પંચમહાલ જિલ્લાના તમામ ૪૬૭ ગામોના સરપંચોએ પોતાના ગામને કોરોના મુક્ત રાખવાનો અને કોરોના સામે લડવાના સરકારના નિયમોને અનુસરવાનો સંકલ્પ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ ગામમાં આવતું અટકાવવા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશદ્વાર પર ચોકીઓ શરૂ કરી છે તેમજ ગામમાં આવનારા તથા બહાર જનારા સૌનું મૂવમેન્ટ રજીસ્ટર રાખવામાં આવે છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે દરેક સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે હરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજાથી દો ગજ કી દુરી રાખી સંક્રમણથી બચે. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાયરસ જીવલેણ નથી એટલે એનાથી ડરવાની નહિ એની સામે લડવાની સજજતા કેળવવાની જરૂરી છે.
તેમણે આ વાયરસના સંક્રમણનું જોખમ ખાસ કરીને વૃદ્ધો, ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓમાં વિશેષ હોય છે એટલે આવા વડીલોની ખાસ કાળજી લેવા અને ઘર બહાર ન નીકળે તેની પણ તાકીદ કરી હતી. પ્રસૂતા બહેનો અને સગર્ભા માતાઓની આરોગ્ય કાળજી માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગામમાં લોકોમાં રોગ પ્રતિકારકશકિત વધારતા ઉકાળા વિતરણ કરવા તેમજ હાલની સ્થિતિમાં મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો ના યોજાય કે વધુ લોકો ભેગા ન થાય તેની પણ કાળજી લેવા સરપંચોને સૂચન કર્યુ હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને અફવાઓથી દુર રહેવાની તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના ગરીબ અંત્યોદય NFSA અને મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણ બાદ હવે ગુજરાત સ્થાપના દિવસની ભેટ રૂપે મે મહિના માટે પણ મધ્યમવર્ગીય APL-1 ના ૬૧ લાખ પરિવારોને ફરીવાર વિનામૂલ્યે અનાજ વિતરણ આગામી તા. ૭મી મે થી થવાનું છે તેની વિગતો ગ્રામીણ સરપંચોને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગામોમાં મનરેગાના કામો અને સુજલામ સુફલામના કામો શરુ કરી લોકોને રોજગારી મળે તેમજ આગામી ચોમાસા પહેલાં તળાવ ચેકડેમ ઊંડા કરી જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે પણ સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ શામળકુવા, ચેલાવાડા, ગુંદીવેરી, જબાણ, સાથરોટા, રામેશરા, માતરીયા વાસ, કોઠા, રજાયતા, મોરા, એરાલ, ખડકી અને ચાંચપુરા વગેરે ગામોના સરપંચો પાસેથી તેમના ગામોની કોરોના સામેની લડાઇમાં ગામમાં સેનીટાઇઝેશન, માસ્ક વિતરણ, લોકડાઉનનું પાલન, ગામોમાં અવરજવરનું રજીસ્ટર નિભાવણીની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી છેક ગ્રામીણ વિસ્તાર સુધી કોરોના વાયરસ સંક્રમણ સામે જાગૃતિ કેળવવા જે સીધી વાતચીત અને માર્ગદર્શન આપે છે તેની આ સરપંચોએ પ્રસંશા કરી હતી.
આ સરપંચોએ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી સામે લેવાયેલા આરોગ્યલક્ષી પગલાંઓ તેમજ લોકડાઉનના સમયમાં કોઈને ભૂખ્યા સૂવું ના પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની સંવેદના માટે મુખ્યમંત્રીશ્રીનો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.