માત્ર પંદર મિનિટમાં રીઝલ્ટ થકી કોરાનાના સંક્રમણને રોકી શકાશે
કોવિદ-૧૯ના પરીક્ષણની રેપીડ ટેસ્ટ કીટ હવે વલસાડના સરીગામની લેબકેર કંપની ખાતેથી ઉત્પાદિત થશે
(- આલેખન : પ્રફુલ પટેલ માહિતી બ્યૂરો) વલસાડ, કોવિડ-૧૯ દુનિયાના ૨૦૦ થી વધુ દેશોમાં પ્રસરી ચૂકયો છે. દિન પ્રતિદિન સંક્રમણનું પ્રમાણ વધતું જાય છે. આજ સુધી કોઇ દેશ તેની રસી શોધી શકયો નથી. કોરાના વાઇરસના લક્ષણો પણ ચૌઉદ દિવસ પછી માલૂમ પડે છે, જેના કારણે વધુ લોકો સંક્રમિત થાય છે. કોવિડ-૧૯ અંગેની જાણકારી જો ત્વરીત મળી રહે તો તેના વધુ સંક્રમણને રોકી શકાય છે.
હાલ આપણા દેશમાં ચાઇનાની રેપીડ ટેસ્ટ માટેની કિટ દ્વારા ટેસ્ટ કરવામાં આવતી હતી. પરંતુ ઘણાં રાજયો દ્વારા ચાઇના કીટના રીઝલ્ટ ઉપર શંકા જતા બાન કરવામાં આવી છે. જેથી કોવિદ-૧૯ ના દર્દીઓને શોધવામાં મુશ્કેલી અનુભવાય રહી છે.
દેશમાં ગુજરાત દરેક ક્ષેત્રે મોખરા ક્રમે છે, એ વાત ખોટી નથી. કોરાનાની આપત્તિમાં પણ ગુજરાત કંઇક કરી બતાવશે તેમાં પણ વલસાડ જિલ્લાનું યોગદાન અમૂલ્ય રહેશે તેમા કોઇ શંકા નથી.જ્યારે કોરોના વાઇરસે ચાઇનામાં દસ્તક દીધી ત્યારથી જ લેબકેર દ્વારા સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. લેબકેરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ કોવિદ-૧૯ માટેની રેપીડ ટેસ્ટ કીટ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી ખાતેની લેબકેર ડાયગ્નોસ્ટીક પ્રા.લી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
લેબકેર દ્વારા તૈયાર કરવામાં આવેલી રેપીડ ટેસ્ટ કીટને ઇન્ડીયન કાઉન્સીલ મેડીકલ રીસર્ચ દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ કીટનું ટુંક સમયમાં જ ઉત્પાદન શરૂ થઇ જશે. આ કીટની ખાસિયત એ છે કે, કોવિદ-૧૯ પોઝીટીવ અંગેની જાણકારી માત્ર પંદર જ મિનિટમાં મળી જાય છે. જેથી કરીને વધુને વધુ ટેસ્ટ કરીને સંક્રમિતોની જાણકારી મળી જાય અને સઘન સારવાર આપી શકાય.
લેબકેર ડાયગ્નોસ્ટીક પ્રા.લીના ડાયરેકટર રવિ ચઢા જણાવે છે કે, રાજય સરકારનો સહકાર સાંપડયો છે. લેબેકર દ્વારા રોજના દોઢ લાખ કીટનું ઉત્પાદન કરી શકાશે. હવે રેપીડ ટેસ્ટ કીટ માટે ચાઇના ઉપર નિર્ભર રહેવું પડશે નહિ. કોવિદ-૧૯ માટે પીસીઆર કીટ માટે પણ એપ્રુવલ મળ્યા છે. મેન્યુફ્રેકચર માટેની મંજુરી બાકી છે પરંતુ એ પણ ટુંક સમયમાં મળી જશે. જો પીસીઆર કીટ ની મંજુરી મળી જાય તો કોવિદ-૧૯ માટેની રેપીડ ટેસ્ટ કીટ અને પીસીઆર કીટ બનાવતી દેશની એક માત્ર કંપની હશે.
તેઓ વધુમાં જણાવે છે કે, રેપીડ ટેસ્ટની ચાઇના કીટ ચીનના લોકોના જીનેટીકને ધ્યાને રાખી બનાવવામાં આવી હોય તેના કારણે પણ આપણે ત્યાં સચોટ રીઝલ્ટ આપી શકતી ના હોય એવું બને. પરંતુ લેબકેર દ્વારા વિકસાવવામાં આવેલી રેપીડ ટેસ્ટ કીટ ભારતીયોના જીનેટીકના સંદર્ભે બનાવવામાં આવી છે. જે ખૂબજ ઉપયોગી નિવડશે. આમ વલસાડ જિલ્લો આપત્તિના સમયે દેશની પડખે ઊભો રહી પોતાનું પ્રદાન કરી રહયો છે.