અરવલ્લીમાં વધુ બે દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો
બાયડના સાંઠબાના બે દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા સિવિલમાંથી રજા અપાઇ
સાકરિયા, (તસ્વીર બકોર પટેલ) અરવલ્લી જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં વ્યાપેલા કોરોના વાયરસ સામે આરોગ્ય વિભાગના અસરકાર કદમથી રવિવારે કોરોના પોઝિટીવના બીજા બે રીપોર્ટ નેગેટીવ આવતા બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અરવલ્લીના બાયડ તાલુકામાં સૌ પ્રથમ નોંધાયેલ કોરોના પોઝિટવ પિતા-પુત્રને તા. ૧૯ એપ્રિલના રોજ બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સાંઠબાના ૬૪ વર્ષિય કાંતિભાઇ કાલીદાસ ચૌહાણ તથા ૩૩ વર્ષિય હેંમતભાઇ કાંતિભાઇ ચૌહાણ બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યાં ઉપસ્થિત ર્ડાકટરો, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાઇ આપી હતી.
જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૯ કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી ભિલોડાના એક દર્દીનુ મોત થયા બાદ ૧૮ વ્યક્તિઓ સારવાર હેઠળ હતા જે પૈકી ૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હાલ મોડાસની સાર્વજનિક હોસ્પિટલમાં ૮ અને બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાં બે મળી જિલ્લામાં કોરોના પોઝિટીવના ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉ. અમરનાથ વર્માના માર્ગદર્શન હેઠળ કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. પ્રવિણ સોલંકી, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ ડૉઆશિષ નાયક, બાયડ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પરમાર અને તેમની આરોગ્ય વિભાગની ટીમની સુંદર કામગીરી અને પરસ્પર સંકલનના કારણે આજે વાત્રક હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓના વિદાય વખતે હોસ્પિટલના ર્ડાકટરો, નર્સ અને કોવિડ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો