કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં તેમના અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ તેમને વંદન કર્યા હતા
શ્રી શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારત પોતાના વીર કોરોના યોદ્ધાઓને વંદન કરે છે. હું આ સૌને વિશ્વાસ અપાવું છું કે, મોદી સરકાર અને સમગ્ર દેશ તમારી પડખે ઉભો છે. દેશને કોરોનાથી મુક્ત કરવામાં આપણે જે પડકારોને સામનો કરી રહ્યા છીએ તેને તકોમાં બદલવાની છે અને એક સ્વસ્થ, સમૃદ્ધ તેમજ સશક્ત ભારતનું નિર્માણ કરીને સમગ્ર દુનિયાને એક દ્રષ્ટાંત પૂરું પાડવાનું છે. જય હિંદ!”
આજે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કોવિડ યોદ્ધાઓને વિવિધ પ્રકારે સન્માનિત કરવામાં આવ્યા હતા જેની પ્રશંસા કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા દેશને કોરોનાથી મુક્ત કરાવવા માટે દિવસ રાત મહેનત કરી રહેલા ડૉક્ટરો, પોલીસ કર્મચારીઓ, અર્ધ લશ્કરી દળો અને અન્ય યોદ્ધાઓ દ્વારા વિવિધ પ્રકારે સન્માનિત કરવામાં આવ્યા તે દૃશ્યો હૃદયને સ્પર્શી જાય તેવા છે. આ યોદ્ધાઓએ જે બહાદુરીથી કોરોના સામે લડત આપી છે તે ચોક્કસપણે વંદનીય કામગીરી છે.”
ભારતીય સૈન્યની ત્રણેય પાંખે કોરોના સંક્રમણ સામે લડનારા બહાદુર જવાનોને આજે રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ અંગે શ્રી શાહે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, “ભારત જે બહાદુરથી કોરોના સામે લડી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આજે સૈન્યની ત્રણેય પાંખે કોરોના સંક્રમણ સામે લડનારા બહાદુર જવાનોને રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ આપણા વીર જવાનો અને તેમના પરિવારની પડખે ઉભો છે.”