Western Times News

Gujarati News

વડોદરા, મોરબી અને ભરૂચ ખાતેથી વિશેષ ટ્રેન મારફત હજારોની સંખ્યામાં શ્રમિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને વતનમાં મોકલવામાં આવ્યા

ગોબર ગંધભરી ગામડાની ગલી, હાંફતા શહેર કરતા ઘણી ભલી; નજર પડે ત્યાં લટકે બંધ તાળા, તણખલું’ ય નથી, વિખરાયા છે માળા…

વતનનું સરનામું પૂછી રહેલી એ તમામ આંખનું આંસુ લૂંછતી; રાજ્યની રૂપાણી સરકાર પ્રત્યેક શ્રમિકોને તેમના ખોવાયેલા વતન સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સતત લાગેલી છે !

હા, કોઈ જિંદગીનું પેટિયું રળવા તો કોઈ આંખોમાં સતરંગી સ્વપ્નાઓને આંજી બે પાંદડે થઇ સુખી થવા પોતાનું ગામ કે નગર છોડીને નોકરી-ધંધા કે વ્યવસાયની તલાશમાં શહેર ભણી આવે છે. પરંતુ શહેરમાં વર્ષો વિતાવ્યા પછી’ય વતન અને ગામની યાદ કોને ન સતાવે ?

(સંજય કચોટ) અમદાવાદ, હાલના કોરોનાના વૈશ્વિક મહામારીના સમયમાં પ્રત્યેક પરદેશીને તેનું વતન, વતનમાં રહેતા સ્વજન; અરે ગોબરની એ ગંધભરી ગામડાની ગલી સાંભરે એમાં કોઈ નવાઈ નથી ! લોકડાઉનના પ્રવર્તમાન સમયમાં લાખોની સંખ્યામાં શ્રમિકોને આ ટાંકણે પોતાનું ઘર સાંભરે તે સ્વાભાવિક છે. આ કપરા કાળમાં શ્રમિક-મજદૂરો અને દૂર-સુદૂરના વિસ્તારોમાંથી પેટિયું રળવા આવેલા કે અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સને મદદ કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં રાજ્યની વિજયભાઈ રૂપાણીની ગુજરાત સરકાર સતત પ્રવૃત છે.  આજરોજ વડોદરા, ભરૂચ અને મોરબી ખાતેથી અલગ-અલગ ટ્રેનોની વ્યવસ્થા કરીને સરકારે હજારોની સંખ્યામાં આ શ્રમિકો તેમના વતન પહોંચે તેવી સરસ વ્યસ્થા કરી છે.

વડોદરા જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારના સંકલન અને પીઠબળથી લોક ડાઉનના લીધે અટવાયેલા શ્રમિકો ,વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ માટે 5 અને બિહાર માટે એક મળી ફૂલ 6 ટ્રેનો દ્વારા 7200 થી વધુ લોકોની સુખરૂપ ઘર વાપસી થઈ શકી છે. પ્રશાસન આ લોકોને ફૂડ પેકેટ અને પાણી બોટલ વિનામૂલ્યે આપે છે અને આશ્રયસ્થાનો થી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા અને આરોગ્ય તપાસની વ્યવસ્થા કરે છે.


લોકડાઉનની પરિસ્થિતિમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી બિહારની અનીશા મિશ્રાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ઝડપી નિર્ણય લઈ અમોને અમારા વતન માં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે તે આવકાર્ય છે. યુનિવર્સિટીમાં પણ અમોને ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડવા સાથે ટિકિટની પણ વ્યવસ્થા કરી છે એટલે અમો અમારા ઘરે જઈ રહ્યા છીએ.

શ્રમજીવી રાજેશ ગુજરાત સરકારને ધન્યવાદ આપતાં જણાવે છે કે, સરકારના પ્રયોસોને કારણે અમારી ઘરવાપસી થઈ રહી છે.અમે ઘરે જઈ ને નિયમ મુજબ કોરન્ટાઇનમાં રહીશું એટલુ જ નહી સામાજિક અંતર પણ જાળવીશું. લગભગ આ પ્રકારની જ અભિવ્યક્તિ ડ્રાઈવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સુરેશગીરીની છે. તેઓ કહે છે કે લોક ડાઉન દરમ્યાન સરકારે અમારી ખુબ જ દરકાર લઈ જમવાની વ્યવસ્થા પણ કરી હતી. આજે વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા થતાં અમો વતન માં જઈ રહ્યા છીએ. હવે ગામ જઈને ખેતી કરીશું.

વડોદરાના કલાલી ફાટક પાસે લોક ડાઉનમાં ફસાયેલા સુરેશ કહે છે કે સરકારે અમોને ભોજન સહિત આરોગ્યની પણ સુવિધા પૂરી પાડી હતી.સરકાર દ્વારા વિશેષ ટ્રેનની સગવડ કરી આપતા હું હવે ગોરખપુર વતનમાં જઈશ, હું ખરેખર સરકારનો આભારી છું.

આ જ પ્રકારે આજે દેશમાં સિરામિક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા મોરબીથી ઝારખંડ ૧૨૦૦ શ્રમિકોને લઇ જતી ટ્રેન વિદાય થતા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોઇ માદરે વતન જતાં શ્રમિકો ભાવુક થયા હતા. શ્રમિકોને પોતાના વતન જવા માટે કોઇ અવગડ ઉભી ન થાય તે માટે મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખીને વ્યવસ્થા સંભાળી રહ્યું છે. આ સાથે શ્રમિકોને રસ્તામાં મુસાફરી દરમિયાન ખાવા પીવાની કોઇ અગવડ ઉભી ન થાય તે માટે સુકો નાસ્તો, પાણીની બોટલ તેમજ ફુડ પેકેટની વ્યવસ્થા અહીંના સ્થાનિક શ્રી અંબે સેવા ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી.

ઔધોગિક ગઢ એવા ભરૂચ જિલ્લામાંથી વતન જવા માંગતા શ્રમિકોને ગઇકાલે અંકલેશ્વર રેલ્વે-સ્ટેશનથી અંકલેશ્વર થી ગોરખપુર સુધીની ટ્રેનમાં ૧૨૦૦ જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. જયારે આજે વહેલી સવારે ભરૂચ રેલ્વે-સ્ટેશનથી પૂર્ણિયા જવા માટે ૧૧૯૯ જેટલા વિધાર્થીઓને ટ્રેન ધ્વારા વતન મોકલવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા કરવામાં આવી હતી.

છેલ્લા બે દિવસમાં એક અંકલેશ્વરથી ગોરખપુર અને બીજી ભરૂચ થી પૂર્ણિયા ખાતે ટ્રેન દોડાવી ૨૩૯૯ જેટલા શ્રમિકો અને વિધાર્થીઓ પોતાના વતન પહોંચ્યા છે. રેલ્વેતંત્ર અને રાજય સરકારો સાથે સુચારુ સંકલન કરીને શ્રમિકો માટે વિશેષ ટ્રેન દોડવવાનું સતત પ્રયાસ કરી રહયા છે.

આ પરિસ્થિતિમાં આ લેખિકાના શબ્દોમાં થોડી છૂટછાટ સાથે કહીયે તો, જ્યાં હવા પણ પુરાઈ પુરાતી નથી અને અવકાશની પીડા ખાઈને ખખડતા પીપળાને ભીંજાયેલા લોચનિયાં સાથે વતનનું સરનામું પૂછી રહેલી એ તમામ આંખનું આંસુ લૂંછતી; આ ગુજરાત સરકાર પ્રત્યેક શ્રમિકોને તેમના ખોવાયેલા વતન સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સતત લાગેલી છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.