કાલુપુર શાકમાર્કેટને રૂ.૫૦ કરોડના ખર્ચથી ડેવલપ કરાશે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કાલુપુર શાક માર્કેટને ડેવલપ કરવામાં આવશે. મ્યુનિ.વહીવટી તંત્ર દ્વારા શાક માર્કેટને ડેવલપ કરવા માટે છેલ્લા દસ મહિનાથી કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ચૂંટાયેલી પાંખને આ અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. જેના કારણે રોડ અને બિલ્ડીંગ કમિટી દ્વારા ડેવલપમેન્ટ દરખાસ્ત પણ નિર્ણય કરવામાં આવ્યો નથી.
જ્યારે શાક માર્કેટ ડેવલપ કરવા માટે મધ્ય ઝોનના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી સરવેની કામગીરી સામે વેપારીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ કાલુપુર વિસ્તારમાં ચોખા બજાર પાસે શાક માર્કેટ આવેલી છે. જેમાં કોઈ જ પાકા બાંધકામ કરવામાં આવ્યા નથી. શાકના વેપારીઓએ થડા બનાવી તેની પર રોડ તૈયાર કર્યા છે.
દાયકાઓ જુની શાક માર્કેટમાં હાલ મોટાભાગે પેટા ભાડુઆતો છે. મૂળ માલિકોની નોંધ પણ મનપા પાસે હયાત છે કે કેમ ? તે અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશને શાક માર્કેટને ડેવલપ કરવા માટે લગભગ દસ મહિના પહેલા નિર્ણય કર્યાે હતો. તતા બજેટમાં પણ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. કાલુપુર ચોખા બજાર અને શાક માર્કેટની આસપાસ કોર્પાેરેશનની જમીન પર અલગ-અલગ ચાર માર્કેટ છે. તતા શાક બજારની પાછળ પણ મનપાને જમીન મળેલી છે.
તેથી આ તમામ જમીન પર પાકા બાંધકામ કરવા માટે નિર્મય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વેપારીઓના સરવે પણ થયાં છે. પરંતુ સરવે કામગીરીમાં “ગોલમાલ” થઈ હોવાના આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. તથા તે અંગે મધ્યઝોનના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેના કોઈ પરીણામ મળ્યા નથી.
મ્યુનિ.રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અંદાજે ૧૧ હજાર ચો.મી.પ્લોટ એરીયામાં માર્કેટ ડેવલપ કરવામાં આવશે. ૧૨ હજાર ચો.મી.ના બીલ્ટ અપ એરીયામાં બે સેલર પાર્કીંગ બનાવવામાં આવશે. જેમાં ૧૫૦ ફોર વ્હીલર્સ અને ૯૦૦ ટુ વ્હીલર્સ ના પાર્કીગનો સમાવેશ થઈ શકશે.
જ્યારે મુલાકાતીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ૬૩૭ ચો.મી.એરીયામાં અલગ પાર્કીંગ તૈયાર કરવામાં આવશે. જેમાં ૧૮ ફોર વ્હીલર્સ અને ૫૦ ટુ વ્હીલર્સ પાર્ક થાય તેવી સુવિધા ઊપલબ્ધ કરવામાં આવશે. સદર માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર બે માળમાં ડેવલપ કરવામાં આવશે. દરેક માળનો બીલ્ટઅપ એરીયા અંદાજે ૬૫૦૦ ચો.મી.રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૩૩૯ અને ફર્સ્ટ ફ્લોર પર ૩૩૯ થડા બનાવવામાં આવશે. જ્યારે સેકન્ડ ફ્લોર પર ૧૫૯ ઓફીસ તૈયાર કરવામાં આવશે. સદર માર્કેટમાં માલસામાન પાંચ અને પેસેન્જર માટે બે લીફ્ટ રાખવામાં આવશે. બિલ્ડીંગમાં ૧૦૨૩ ચો.મી.કોમન પ્લોટનો સમાવેશ કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે જે સ્થળે કાચા થડા અને પતરાના શેડ બનાવીને શાકના વેપારીઓ ધંધો કરી રહ્યા છે તે થડાને “જર્જરીત અને ભયજનક”ની નોટિસો આપવામાં આવી છે તથા મૂળ વેપારીઓના સ્થાને અન્ય લાગતા-વળગતાના નામો સરવે યાદીમાં મૂકવામાં આવ્યા હોવાથી વેપારીઓમાં રોષ જાવા મળી રહ્યો છે.