એલીસબ્રીજમાં યુવકને કેફી પદાર્થ ખવડાવી લૂંટી લીધો
વિદેશમાં નોકરી મળતા જ અંકલેશ્વરનો યુવાન અમદાવાદમાં મેડીકલ ટેસ્ટ કરાવવા આવ્યો ત્યારે બે ગઠીયાઓ ભેટી ગયા એલીસબ્રીજ પોલીસે સીસીટીવી કુટેજ મેળવી શરૂ કરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. જેમાં મુળ ઉત્તરપ્રદેશના અને હાલ અંકલેશ્વર રહેતા યુવાનને સાઉદી અરેબિયામાં નોકરી મળી જતા અમદાવાદ મેડીકલ કરાવવા માટે આવતા જ તેને બે ગઠીયાઓ કેફી પદાર્થ ખવડાવી દેતા બેભાન બની ગયેલા આ યુવકના સોનાના દાગીના, રોકડ રૂપિયા તથા કિંમતી દસ્તાવેજા લૂંટીને ગઠીયાઓ ભાગી છુટતા સનસનાટી મચી ગઈ છે.
બેભાન બની ગયેલો યુવક ભાનમાં આવતા તે ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક એલીસબ્રીજ પોલીસ સ્ટેશને પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે યુવાનો વિદેશમાં નોકરી કરવા માટે હંમેશા ઈચ્છુક હોય છે મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ અંકલેશ્વરમાં રહેતા શિવકુમાર મથુરાપ્રસાદ ચોરસીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી વિદેશમાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરતો હતો આ દરમિયાનમાં તેને સાઉદી અરેબિયાની રિયાધ સીરામીકમાં ઈન્ટરવ્યુ કોલ આવ્યો હતો આ માટે તેણે ઈન્ટરવ્યુ પાસ કરી લીધો હતો.
જેનાથી તે ખુબ ખુશખુશાલ હતો અને શિવકુમારે સાઉદી અરેબિયા જવાની તૈયારીઓ શરૂ કરી હતી. સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ દસ્તાવેજા પણ તેને મળ્યા હતા વર્ક પરમીટ સહિતના સર્ટીફિકેટો તેણે પોતાની બેગમાં રાખ્યા હતા સાઉદી અરેબિયા જવા માટે મેડીકલ કરાવવુ પડે તેમ હતું તેથી તે અકલેશ્વરથી અમદાવાદ મેડીકલ ટેસ્ટ કરાવવા માટે આવ્યો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશન હેઠળના એચ.કે. કોલેજ પાસે આવેલા એક મેડીકલ લેબમાં તે તા.પ મીના રોજ સવારે ૬ વાગ્યે મેડીકલ ટેસ્ટ કરાવવા માટે આવ્યો હતો આ દરમિયાન અહિયા અગાઉથી જ બે શખ્સો બેઠેલા હતા અને તેમણે આ બંને શખ્સોએ શિવકુમાર સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો.
વાતચીત દરમિયાન વિશ્વાસ કેળવી લેતા બંને ગઠીયાઓ શિવકુમાર સાથે હસીમજાક કરવા લાગ્યા હતા ત્યારબાદ એક ગઠીયાએ શિવકુમારને જણાવ્યું હતું કે હજુ સમય છે તો આટલામાં નાસ્તો કરી આવીએ તેવુ કહી બંને ગઠીયાઓ શિવકુમારને લઈ એલીસબ્રીજ વિસ્તારમાં નારીયેળ પાણી પીવા આવ્યા હતા અને ત્યારબાદ એક ગઠીયાએ શિવકુમારને ચોકલેટ ખાવા આપી હતી.
આ દરમિયાનમાં શિવકુમારે જણાવ્યું હતું કે તેને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા છે આ દરમિયાનમાં શિવકુમારે ચોકલેટ ખાઈ લીધી હતી અને ત્યારબાદ તેઓ એટીએમ સેન્ટરમાં ગયા હતા ત્યાં બંને ગઠીયાઓએ શિવકુમારનો એટીએમનો નંબર જાણી લીધો હતો એટીએમમાંથી રૂપિયા ઉપાડતી વખતે શિવકુમારની હાલત અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી અને બંને ગઠીયાઓ શિવકુમારને બહાર લાવ્યા હતા અને તેની પાસેથી રૂપિયા રપ૦૦ રોકડા, પાન કાર્ડ, સોનાનુ પેન્ડલ, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ તથા તેની પાસેની બેગ લુંટી લીધી હતી.
ગઠીયાઓએ એટીએમ કાર્ડ મારફતે રૂ.૪૦ હજાર ઉપાડી લીધા હતા અને ત્યારબાદ ફરી વખત રૂ.૧૧,પ૦૦ ઉપાડયા હતા આમ ગઠીયાઓએ એટીએમ મારફતે કુલ પ૧ હજારની રકમ ઉઠાવી લીધી હતી ગઠીયાઓએ લુંટી લીધેલી શિવકુમારની બેગમાં સાઉદી અરેબિયાની વર્ક પરમીટ, પાસપોર્ટ તથા અન્ય મહત્વના દસ્તાવેજા હતાં.
બીજીબાજુ બેભાન હાલતમાં પડેલો શિવકુમાર ભાનમાં આવતા જ તેની પાસેની તમામ વસ્તુઓ ગાયબ જણાઈ હતી જેના પરિણામે તે ખૂબજ વ્યથિત બની ગયો હતો અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ દરમિયાનમાં નજીકમાં જ આવેલા એલીસબ્રીજ પોલીસ સ્ટેશને તેને લઈ ગયા હતાં અને ત્યાં પોલીસ અધિકારીને સમગ્ર હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બે ગઠીયાઓએ શિવકુમારને ચોકલેટમાં કેફી પદાર્થ ખવડાવી બેભાન બનાવી લુંટી લીધા બાદ ફરાર થઈ ગયા હતા બીજીબાજુ શિવકુમારે એલીસબ્રીજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સતર્ક બનેલા પોલીસ અધિકારીઓએ એચ.કે. કોલેજની બાજુમાં આવેલા મેડીકલ ચેકઅપ કેન્દ્રથી લઈ એલીસબ્રીજ સુધીના માર્ગમાં આવતા તમામ સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે. આ ઘટનાથી અન્ય નાગરિકોમાં પણ ફફડાટ ફેલાયો છે.