મૂશ્કેલ સમયમાં દૈનિક ભથ્થું 182 રૂપિયાથી વધારીને 202 કરાતા શ્રમિકો ખૂશખૂશાલ
જામનગરમાં સોશ્યલ ડિસટન્સીંગ, સ્વચ્છતાના નિયમોના પાલન સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ કામોનો આરંભ
લોકડાઉનના આ મૂશ્કેલ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ –મનરેગા હેઠળના કામો બંધ કરાયા હતા, એ લોકડાઉનના બીજા તબક્કાથી ધીમે ધીમે શરૂ કરાયા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશભરના 13 કરોડ 62 લાખ મનરેગા શ્રમિકો માટે એમનું ભથ્થું દૈનિક રૂપિયા 182 થી વધારીને રૂપિયા 202 કરાયું છે, જેનો લાભ શ્રમિકો મેળવી શકશે. આના થકી 5મી મે 2020 ના આંકડા મુજબ દેશમાં 5.97 કરોડ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે. અને બાકી વળતરના ચૂકવણા પેટે રાજ્યોને 21,032 કરોડ રૂપિયા છૂટા કરાયા છે.
ગુજરાતની અંદર મનરેગા હેઠળ નોંધાયેલા એક્ટીવ શ્રમિકો 24.23 લાખ છે. આમના દ્વારા 90,377 માનવ દિન રોજગારીનું સર્જન કરાય છે. શ્રમિકોને કૂવા તલાવડી ખોદવી, ચેકડેમ નિર્માણ જેવા કામો દ્વારા રોજગારી અપાય છે.
જામનગર જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત હાલ મનરેગાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી લોકડાઉનમાં પણ શ્રમિકોને કામ, પૂરતું વેતન મળી રહે. સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવી એમને વધારેલા દર સાથે કામે લગાડવામામ આવ્યા છે. પરિણામે જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો દ્વારા ગામમાં શ્રમિકોને ઘરબેઠા લોકડાઉનમાં રોજગારી મળી રહી છે.
આગામી ચોમાસામાં ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદાના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે ચાલુ થયા છે.