અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને હર્બલ ટી અપાય છે
*સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને તા.30 એપ્રિલથી સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભે દેખરેખ માટે ખાસ નિમાયેલા શ્રી પંકજકુમારે જણાવ્યું છે કે વૈશ્વિક મહામારી COVID-19નો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં COVID-19ની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 1200 બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને નોવેલ કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે હર્બલ ચાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
કોવિડ હોસ્પિટલમાં આઈ. સી. એન. એટલે કે ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે ફરજ બજાવતા શ્રીમતી પુષ્પાબેન કહે છે કે….’ અહીં રોજ સવારે છ વાગ્યે તમામ દર્દીઓને હર્બલ ટી આપવામાં આવે છે. ગળામાંનું ઇન્ફેકશન ઘટાડવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આ હર્બલ ટી ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે.
સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટી આપવામાં પાંચ મિનિટ પણ મોડું થાય તો દર્દીઓ તરત માંગણી કરે છે કે હર્બલ ટી આપો… તે જ પુરવાર કરે છે કે આ હર્બલ ટી ફાયદાકારક છે એવું તેઓ પણ માને છે…’
અહીં સારવાર લઈ રહેલા એક દર્દી પણ આ હર્બલ ટી ફાયદાકારક હોવાનું જણાવી કહે છે કે ‘ અમે જ્યારથી હર્બલ ટી પીવાનું શરૂ કર્યું છે ત્યારથી શરીરમાં એક પ્રકારની નવી ચેતનાનો સંચાર થયો છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે અન્ય એલોપેથિક દવાઓની સાથે સાથે આ હર્બલ ટી ના પ્રયોગથી અમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે…’ એમ તેઓ ઉમેરે છે. રાજ્યના અન્ય નાગરિકો પણ પોતાના ઘરે આ હર્બલ ટીનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે.
ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો ? (100 મિલી ચા માટે)
તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી. આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.