અમદાવાદ જિલ્લામાં શાકભાજીના ફેરીયા વેન્ડરોને સ્ક્રિનિંગ કરીને હેલ્થ કાર્ડ અપાશે :
આ કાર્ડ માત્ર સ્થાનિક કક્ષાએ જ ઉપયોગી રહેશે – જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે સ્તરે ફેલાયેલ કોવિડ-19 મહા મારીને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે. તે અંતર્ગત ભારત સરકારે રાજ્ય સરકારોને એપેડેમીક ડિસિઝ એક્ટ-1987 હેઠળ મહામારીને રોકવા જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. તેના પગલે ગુજરાત સરકારે જાહેર કરેલ અધિસૂચના અન્વયે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યને. લગતી તમામ જવાબદારીઓ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને સુપરત કરાઇ છે. અમદાવાદ જિલ્લામાં કોવિડ 19 મહામારીને ફેલાતી અટકાવવા માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ એ અધિસુચના બહાર પાડીને વિવિધ નિયંત્રક પગલાં લેવા તાકીદ કરી છે.
આ અનુસાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ લોકોએ બહાર નીકળતી વખતે ફરજિયાત રીતે મોઢા ઉપર માસ્ક પહેરવાના રહેશે અથવા મોઢું અને નાક પૂરી રીતે ઢંકાય તે રીતે રૂમાલ બાંધવાનો રહેશે અથવા એવું કોઈ અન્ય કાપડ બાંધવાનુ રહેશે જેથી મોઢું અને નાક બંને એક સાથે પૂરી રીતે ઢંકાય.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીના ફેરીયા વેન્ડરોને આરોગ્ય કર્મીઓ દ્વારા સ્ક્રિનિંગ કર્યા બાદ સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું રહેશે. આ હેલ્થ કાર્ડ સાત દિવસ સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ આરોગ્ય કર્મીઓ દ્વારા ફરીથી સ્ક્રિનિંગ કરી યોગ્ય જણાએ કાર્ડ રિન્યુ કરવાનું રહેશે. હેલ્થ કાર્ડ ધરાવતા ફેરીયા વેન્ડરો , કરિયાણાના દુકાનદારો, શાકભાજી વેચનારાઓને વેચાણની ગ્રામ્યકક્ષાએ મંજૂરી આપવામાં આવશે.
મર્યાદિત સંખ્યામાં મર્યાદિત સમય માટે જ આ કાર્ડ માન્ય રહેશે.દરેક તલાટી કમ મંત્રીએ ઇસ્યુ કરેલ કાર્ડની વ્યક્તિના નામ સહિતની તમામ વિગતો વાળુ રજિસ્ટર નિભાવવાનુ રહેશે અને તે અંગેનો અહેવાલ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફતે સમયાંતરે જિલ્લા પંચાયતને મોકલવા તેમણે તાકીદ કરી છે. આ કાર્ડ ધારકોને ગામમાંથી શહેરમા કે શહેરથી ગામ તરફ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં એટલે કે આ કાર્ડ સ્થાનિક કક્ષાએ જ ઉપયોગમાં લઇ શકાશે .આ સૂચના નો ભંગ થયે સંબંધિત કાર્ડ ધારકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગામમાં ઉત્પાદિત થતાં સ્થાનિક માલ-સામાનનું જ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.