કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યરત કરાઈ
આ સિસ્ટમ દ્વારા ૧ કલાકમાં ૧૨ વખત હવાને શુધ્ધ બનાવાય છે.
કોવિડ-૧૯ વાયરસને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓને શ્રેષ્ઠ અને હાઈજેનિક ભોજન સહિત અન્ય સુવિધાઓ અપાય છે. આ દર્દીઓને શુધ્ધ હવા મળે રહે તે માટે ખાસ “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યાંવિત કરાઈ છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે, “ આ દર્દીઓને આઈસોલેશનમાં રાખવા અત્યંત જરૂરી છે, અને એટલે વોર્ડમાં હવાની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોવી પણ એટલું જ જરૂરી છે. આ નિર્ધારિત આઈસોલેશન વોર્ડમાં હવાનું ખાસ વેન્ટિલેશન રાખવાની સાથે સાથે ૧ કલાકમાં ૧૨ વખત શુધ્ધ હવાનો ફેરફાર થાય તેમજ હવાને શુધ્ધ કરી વાતાવરણમાં બહાર ફેંકી શકે તેવી “નેગેટીવ એર પ્રેસર સિસ્ટમ” નંખાઈ છે. આ નિર્ધારિત આઈસોલેશન વોર્ડ સેન્ટ્રલ એરકન્ડિશનિંગ પ્લાન્ટનો હિસ્સો ન હોવો જોઈએ, અને એટલે જ આ આઈસોલેશન વોર્ડ માટે અલાયદી એરકન્ડિશનિંગ સિસ્ટમ ઉભી કરાઈ છે….” એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ માટે જરૂરી સંખ્યામાં ડ્ક્ટેબલ યુનિટ મુકી એક કલાકમાં ૧૨ વખત શુધ્ધ હવા વોર્ડમાં લઈ જવામાં આવે છે અને વોર્ડની અંદરની હવાને ફેક્સીબલ ડ્ક્ટ મારફતે અગાસી સુધી લઈ જઈ હવાને ફિલ્ટર કરવા ખાસ બનાવેલ યુનિટ કે જેમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટ અને હિટર મારફતે હવાને શુધ્ધ કરી વાતાવરણમાં ફેંકવામાં આવે છે. આ પ્રક્રિયાથી આઈસોલેશન વોર્ડમાં નેગેટીવ એર પ્રેસર ઉભુ કરી હવાની ઉચ્ચ કક્ષાની ગુણવત્ત જળવાઈ રહે તે રીતે કામગીરી કરવામાં આવી છે.
૧૨૨ બેડની હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્સરહોસ્પિટલ અને કિડની વિભાગમાં પણ આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. એટલું જ નહી સોલા સિવિલ, ગાંધીનગર સિવિલ, વડોદરાની ગોત્રી અને સુરતની સિવિલ હોસ્પિટલ પણ આ સુવિધાથી સજ્જ કરાઈ છે.
નેગેટીવ પ્રેસર ઉત્પન્ન કરવા માટે જ્યાં હયાત એરકન્ડિશનિંગ છે તેના એર હેન્ડલીંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અન્ય જગ્યાઓએ ટેમ્પરરી ડ્ક્ટેબલ યુનિટો લગાવી ડ્ક્ટીંગથી ફ્રેશ એર અને એક્ઝોસ્ટ એરનુંસ સંતુલન જાળવવમાં આવે છે.