વ્યારાથી સ્પેશિયલ ટ્રેન દ્વારા ૧૧૫૦ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા
વ્યારા: “લોકડાઉન”ને કારણે તાપી જિલ્લામાં આશ્રય મેળવતા પરપ્રાંતિય શ્રમિકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા અમેઠી (ઉત્તરપ્રદેશ) મોકલવામાં આવ્યા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા પંદરેક દિવસોની જહેમત બાદ સફળ લાયઝનીગ, અને જે તે રાજ્ય સરકારો સાથે સંપર્ક સ્થાપી, આજે તાપી જિલ્લામા આશ્રય મેળવી રહેલા ૧૧૫૦ જેટલા આશ્રિતોને જિલ્લા વહીવટી તંત્ર તેમના વતન મોકલી રહ્યું છે, તેમ જણાવતા રાજ્યના વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ, આ શ્રમિકો પાસે એક પણ પૈસો લીધા વિના, તેમને ટ્રેન મારફત આજે વ્યારાથી રવાના કરવામા આવ્યા છે, તેમ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યુ હતું.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં આશ્રય મેળવી રહેલા ૧૧૫૦ જેટલા શ્રમિકોને આજે સોશિયલ ડિસ્ટનસિંગ સહિત ફેસ માસ્ક, સેનેટાઈઝર વિગેરેની સુવિધા સાથે વ્યારાથી વિદાય આપવામા આવી હતી.
આ શ્રમિકો જે સ્થળે રોકાણ કરતા હતા ત્યાંથી બસ મારફત રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન મારફત તેમના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોના જે તે રાજ્ય સરકારોની પરવાનગી મેળવવા સાથે, અત્રેથી તેમનુ તબીબી સ્ક્રીનીંગ પણ કરાય હતુ. દરેક શ્રમિકોને ફૂડ પેકેટ્સ તથા પાણીની બોટલ ઉપલબ્ધ કરાવવા સાથે જરૂરીયાતમંદ મુસાફરોને માસ્ક પણ અપાયા હતા.
કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓએ સકારાત્મક વલણ અપનાવતા પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન માટે રવાના થયા હતા.
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના રામનગરના શ્રમિક શ્રી વિજય યાદવે, વ્યારા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સુવિધાઓ સાથે તેમને આશ્રય અપાયો હતો તેમ જણાવી, તાપી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વ્યારા રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયેલી આ શ્રમિક ટ્રેનના પ્રસ્થાન વેળા ૨૩-બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડીયા, વ્યારા નગર પ્રમુખ શ્રી મહેરનોશ જોખી, માજી મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત સહિત, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, ડી.સી.એફ.શ્રી આનંદ કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.વહોનિયા, પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશી સહિતના અધિકારીઓએ, પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.