ડૉ. હર્ષવર્ધને પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડાઇને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા નિયંત્રણના પગલાં અને તેમની તૈયારીઓની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપૂર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપૂરા અને સિક્કીમ સાથે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે પૂર્વોત્તરના રાજ્યોમાં સ્થિતિ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાંનીસમીક્ષા કરી હતી. ડૉ. હર્ષવર્ધને દેશમાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તમામ રાજ્યોએ કરેલા પ્રયાસો અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “પૂર્વોત્તરના રાજ્યો ગ્રીન ઝોનમાં છે તે જાણીને ઘણો આનંદ થાય છે અને અન્ય રાજ્યો માટે તે પ્રોત્સાહન આપનારી સ્થિતિ છે. અત્યારે માત્ર આસામ અને ત્રિપૂરામાં કોવિડ-19ના સક્રિય કેસો છે; અન્ય તમામ રાજ્યો હવે ગ્રીન ઝોનમાં છે.” પૂર્વોત્તરમાં કોવિડ-19 વ્યસ્થાપનની સકારાત્મક સ્થિતિને જાળવી રાખવા માટે, ડૉ. હર્ષવર્ધને સલાહ આપી હતી કે, રાજ્યો દેશના અન્ય ભાગો અને વિદેશમાંથી પરત આવી રહેલા વિસ્થાપિત શ્રમિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનું સ્ક્રિનિંગ કરવાનું તેમજ નિર્ધારિત માર્ગદર્શિકા અને પ્રોટોકોલ અનુસાર તેમને ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું સુનિશ્ચિત કરવું જોઇએ.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, 09 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે જેમાંથી 17,847 દર્દી સાજા થઇ ગયા છે અને 1,981 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે અને 1307 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અન્ય દેશોની તુલનાએ ભારતમાં મૃત્યુદર 3.3% અને સાજા થવાનો દર 29.9% છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, (ગઇકાલની સ્થિતિ અનુસાર) કોવિડ-19ના સક્રિય કેસોમાંથી ICUમાં 2.41% દર્દીઓ છે, 0.38% વેન્ટિલેટર પર છે અને 1.88% ઓક્સિજન સપોર્ટ પર છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે અને અત્યારે સમગ્ર દેશમાં 332 સરકારી લેબોટેરટી અને 121 ખાનગી લેબોરેટરીમાં રોજના 95,000 પરીક્ષણો થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 15,25,631 પરીક્ષણો કરવામાં આવ્યા છે.”