Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં એ.પી.એલ.-૧ કાર્ડધારકોને વિનામૂલ્‍યે રાશન વિતરણ કરાયું

????????????????????????????????????

જુજવાની એફપીએસ ખાતે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જળવાઇ રહે તે માટે સુંદર વ્‍યવસ્‍થા

રાજ્‍ય સરકારની સૂચના અનુસાર વલસાડ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જિલ્‍લાના નોન એન.એફ.એસ.એ. એપીએલ-૧ કાર્ડધારકોને વાજબી ભાવની દુકાનોએથી વિનામૂલ્‍યે રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા ચણાની દાળનું નું વિતરણ કરવામાં આવી રહયું છે. વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક કાર્ડધારકોને પૂરતું અને સારું અનાજ મળે તે માટે પુરવઠાતંત્ર સતત દેખરેખ રાખી રહયું છે.

કોરોના વાઇરસની પરિસ્‍થિતિમાં અનાજના વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જળવાઇ રહે અને ભીડ ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક રેશનની દુકાન ઉપર પોલીસ કે સિવિલ ડિફેન્‍સ સ્‍ટાફની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જળવાઇ રહે તેની તમામ વ્‍યવસ્‍થા વાજબી ભાવના દુકાનદારો રાખી રહયા છે અને તેમાં પ્રજાજનો પણ સહયોગ આપી રહયા છે.

વલસાડ તાલુકાના જુજવા ખાતે આવલી વાજબી ભાવની દુકાન ખાતે દુકાનદારે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જાળવવા માટે વિશેષ વ્‍યવસ્‍થા કરી છે. દુકાનની બહાર તો સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જાળવી શકાય છે, પરંતુ અનાજ આપની વખતે ગ્રાહકે વજનકાંટાની નજીક આવવું ન પડે તે માટે દોઢ થી બે મીટરની લંબાઇના પતરાની પન્નાળીની મદદથી દૂરથી જ ગ્રાહકની થેલીમાં અનાજ આપી શકાય તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ વ્‍યવસ્‍થાને કારણે ગ્રાહક અને વજનકાંટા વચ્‍ચે આશરે બે મીટર જેટલું અંતર રહે છે. કેટલું અનાજ મળી રહયું છે, તે ગ્રાહક જોઇ શકે તે માટે દુકાનદારે ડીજીટલ વજનકાંટો ગ્રાહકને વજન યોગ્‍ય રીતે દેખાય તે પ્રમાણે ગોઠવ્‍યો છે. દરેક ગ્રાહકને દુકાનમાં પ્રવેશ કરતા પહેલાં સેનેટાઇઝરથી હાથ સાફ કરીને પછી જ તેમની પાસે રેશનકાર્ડ અને આધારકાર્ડ લઇ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં, ઊનાળાની સીઝન હોવાથી દુકાનની બહાર લાઇનમાં ઊભા રહેનારા ગ્રાહકોને તાપ ન લાગે તે માટે મંડપની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

જુજવા ખાતેની વાજબી ભાવની દુકાન ખાતે મુલાકાત વેળાએ રેશનકાર્ડ ધારક સ્‍નેહલ પટેલે સરકારનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, કોરોના મહામારી વચ્‍ચે લોકડાઉનના સમયમાં રાજ્‍ય સરકારે વિનામૂલ્‍યે અનાજ આપવાનું આયોજન કર્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. પાથરી ગામના નાનુભાઇએ પણ કોરોના મહામારીમાં ઘરે રહીને સહયોગ આપતા પ્રજાજનો માટે નિઃશુલ્‍ક રાશન આપવા બદલ રાજ્‍ય સરકારની કામગીરીની સરાહના કરી હતી.

હાલરના રશ્‍મિકાન્‍ત રોણવેલીયાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર તરફથી મહામારીના સંકટ સમયે લોકડાઉનના સમયમાં જે લોકોને ખાવા માટે અનાજ નથી તેઓને વિનામૂલ્‍યે રાશન મળી રહયું છે, તે ગરીબો માટે આશીર્વાદરૂપ છે. રાજ્‍ય સરકારનું આ કદમ સરાહનીય અને જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.