”કોરોનાની મહામારીમાં કોઈપણ ભૂખ્યું ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ વિતરણ દ્વારા APL-1 પરિવારોને પણ રાશન પૂરું પડાઈ રહ્યું છે”
સસ્તા અનાજની દુકાનો મારફત પૂરતું Social Distancing જાળવીને રાજ્યના 61 લાખ કુટુંબો તથા અઢી કરોડની વસતીને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિતરણનો બીજો તબક્કો સોમવારે પૂર્ણ થશે
રાજ્યમાં ગરીબી રેખાથી ઉપર જીવતા (APL-1)માં સમાવિષ્ટ મધ્યમવર્ગીય પરિવારના સભ્યોને લોકડાઉન તથા કોરોનાની આ મહામારીમાં અનાજની કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે હેતુસર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સસ્તા અનાજની દુકાનોએથી બીજીવાર વિનામૂલ્યે રાશન વિતરણનો મહત્વનો નિર્ણય રાજ્યના સ્થાપના દિન ૧લી મે એ લીધો હતો.
રાજ્યના APL-1માં સમાવિષ્ટ 61 લાખ કુટુંબો તથા 2.5 કરોડની વસતીને એપ્રિલ માસમાં વિનામૂલ્યે રાશન આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ મે મહિનામાં પણ મધ્યમવર્ગીય આ APLકાર્ડધારક 61 લાખ કુટુંબોને નિ:શૂલ્ક રાશન આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત આજે વિતરણ વ્યવસ્થાનો ચોથો દિવસ છે, તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું.
સાતમી મૅ ના રોજથી શરુ થયેલી આ વિતરણ વ્યસ્થા અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં સુચારુ રૂપે અમલી બની છે. આ કામગીરી હેઠળ 25 લાખ કુટુંબોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ આપવામાં આવી રહી છે. રવિવારે સાંજ સુધીમાં 30 લાખ કુટુંબો આ વિતરણ વ્યવસ્થાથી રાશન પ્રાપ્ત કરી લેશે તેવી સંભાવના છે, તેમ શ્રી કુમારે ઉમેર્યું હતું.
શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના સુખી-સંપન્ન લોકોને પોતાને મળવાપાત્ર વિનામૂલ્યે રાશનનો હિસ્સો જેમને જરૂર છે તેવા પરિવારોની તરફેણમાં સ્વૈચ્છીકપણે જતો કરવાની મુખ્યમંત્રીશ્રીએ કરેલી અપીલને આ વર્ગમાં આવતા પરિવરોએ સહર્ષ વધાવી હતી અને લગભગ 30% જેટલા કુટુંબોએ તેમનો હિસ્સો જતો કર્યો છે. મુખ્યમંત્રીની આ અપીલને આ મહિને પણ ઘણા પરિવારોએ સ્વીકારી છે અને તેનો વ્યાપક અને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
જેના લીધે જરૂરિયાત ધરાવતા કુટુંબો સસ્તા અનાજની દુકાનોમાંથી પૂરતું Social Distancing જાળવીને તેમનું રાશન પ્રાપ્ત કરી રહ્યા છે. ”આ રેગ્યુલર વિતરણ વ્યવસ્થાનો સોમવારે છેલ્લો દિવસ છે. આવતીકાલે એવા પરિવારો જેમના રેશનકાર્ડનો નંબર 0 અથવા 9 છે તેઓ રાશન મેળવી શકશે. 12મી મૅના ખાસ દિવસે અગાઉ જે કોઈ અનિવાર્ય કારણસર રાશન મેળવવાથી વંચિત રહી ગયા હોય તેવા પરિવારો સસ્તા અનાજની દુકાનો ઉપર જઈને તેમનું રાશન એકત્રિત કરી શકશે”, તેમ જણાવતા શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યું હતું કે; અમદાવાદ શહેર માટે વિતરણની નવી તારીખ હવે પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
આ તબક્કે જે APL-1 પરિવારો અગાઉ રાશન મેળવવાથી વંચિત રહી ગયા હોય તેઓ તેમના અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનેથી વિના મુલ્યે મેળવી શકશે. ખેડૂતો અને તેમની ખેતપેદાશોના ઉચિત વેંચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું કે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેંચી શકે, ઉચિત ભાવ મેળવી શકે તે માટે 15 એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ્સ ફરી કાર્યરત કરવા અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ સૂચના આપી હતી.
તારીખ 15 થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ માર્કેટિંગ યાર્ડ્સમાં આજ સુધીમાં થયેલી રવિપાકની આવક ઉપર નજર કરીયે તો, ઘઉં 11 લાખ 28 હજાર ક્વિન્ટલ, એરંડા 7 લાખ, 86 હજાર ક્વિન્ટલ, કપાસ 1 લાખ, 56 હજાર ક્વિન્ટલ, રાયડો 1 લાખ, 66 હજાર ક્વિન્ટલ, ચણા 1 લાખ 20 હજાર ક્વિન્ટલ, મગફળી 61 હજાર 660 ક્વિન્ટલ એમ મળીને કુલ 32 લાખ, 51 હજાર ક્વિન્ટલ પાકની આવક થઇ થઇ છે.