Western Times News

Gujarati News

એપ્રિલ મહિનામાં જ રૂ. ૧૦૩૯ કરોડની બજાર કિંમતનું ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે વિતરણ થયું

પ્રતિકાત્મક

ઘઉં ૧૨.૦૪ લાખ કવીન્ટલ- ચોખા ૧.૩૯ લાખ કવીન્ટલ – ખાંડ ૧.૧૯ લાખ કવીન્ટલ- દાળ સાથે ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ નિ:શૂલ્ક પુરૂં પાડવાની ગુજરાતની આગવી પહેલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે, એપ્રિલ માસમાં રૂ. ૧૦૩૯ કરોડની બજાર કિંમતનું ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે.

સમગ્ર એપ્રિલ મહિના દરમ્યાન NFSA ૬૬ લાખ પરિવારોને તબક્કાવાર બે વખત તેમજ APL-1 મધ્યમવર્ગીય ૬૧ લાખ પરિવારોને એક વખત આવું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.  આ વિનામૂલ્યે અનાજ વિતરણમાં એપ્રિલ મહિનામાં કુલ ર૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં, રૂ. પ૯૬.૪૮ કરોડના બજાર મૂલ્યના, ચોખા ૧ર.૦૪ લાખ કવીન્ટલ રૂ. ૩૧પ.૯૦ કરોડની બજાર કિંમતના, રૂ. પપ.૭૦ કરોડની કિંમતની ૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ તેમજ ૧.૧૯ લાખ કવીન્ટલ ચણા દાળ-ચણાનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ રાજ્યના ૬૦મા સ્થાપના દિવસ અવસરે રાજ્યના ૬૧ લાખ APL-1 કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ લોકોને પ્રવર્તમાન સ્થિતીમાં સતત બીજીવાર મે મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કરેલી જાહેરાત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી આ જાહેરાત મુજબ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી તા. ૭મી મે થી તા. ૧રમી મે દરમ્યાન આ અનાજનું વિતરણ થઇ રહ્યું છે. રાજ્યના દોઢ કરોડ લોકો એટલે કે ૩૦ લાખ જેટલા APL-1 કાર્ડધારકોએ આ યોજના તહેત તા. ૧૦મી મે સુધીમાં રૂ. ૧૧પ કરોડની બજાર કિંમતનું ૪ લાખ ૬૦ હજાર કવીન્ટલ અનાજ વિનામૂલ્યે મેળવ્યું છે.

લોકડાઉન લંબાવાની સ્થિતીમાં APL-1 કાર્ડધારક એવા ૬૧ લાખ મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુંવું ન પડે એેટલું જ નહિ, સૌને અનાજ મળી રહે તેવી સંવેદના સાથે મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો છે.  આવા ૬૧ લાખ APL-1 કાર્ડ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ નાગરિકોને આ વિતરણ અંતર્ગત પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ તેમજ ૧ કિલો ચણાદાળ-ચણાનું વિનામૂલ્યે વિતરણ થઇ રહ્યું છે.

આ વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન અને માસ્કના ફરજિયાત ઉપયોગની શરત સાથે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે આઠ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવે છે.  જેમાં રવિવાર તા. ૧૦મી મે સુધીમાં ૬૩ કરોડ રૂપિયાની અંદાજિત બજાર કિંમતના ૩ લાખ કવીન્ટલ ઘઉં રૂ. રર કરોડના મૂલ્યના ૧ લાખ કવીન્ટલ ચોખા તેમજ રૂ. ૧ર કરોડની કિંમતની ૩૦ હજાર કવીન્ટલ ખાંડ સહિત ૪ લાખ ૬૦ હજાર કવીન્ટલ અનાજ રૂ. ૧૧પ કરોડના મૂલ્યનું વિતરણ થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ જરૂરતમંદ એવા મધ્યમવર્ગીય પરિવારોને આ અનાજ વિતરણનો લાભ મળી શકે તે હેતુસર સુખી અને સંપન્ન લોકો પોતાનો આવો અનાજ મેળવવાનો અધિકાર સ્વૈચ્છિક રીતે જતો કરે તેવી કરેલી અપિલને પણ સફળ પ્રતિસાદ મળ્યો છે.
રાજ્યના APL-1 કાર્ડધારકો એવા ૬૧ લાખ પૈકીના ૩૦ ટકા જેટલા સંપન્ન લોકોએ પોતાનો આવો અધિકાર જતો કરીને જેમને વધુ જરૂર છે તેવા લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસ્યા-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી ત્યારે હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના દિશા નિદેર્શોમાં રાજય સરકારે લોકડાઉન જાહેર થયા બાદ તારીખ રપ/૩/ર૦ર૦ ના રોજ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખથી વધુ લાભાર્થીઓને એપ્રીલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી તેમને ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ તારીખ રપ/૩/ર૦ર૦ના રોજ નિર્ણય કર્યા બાદ માત્ર ૧૫ દિવસના ટૂંકાગાળામાં જ અનાજ વિતરણની કામગીરી રાજયની ૧૭૦૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી પૂર્ણ કરી દેવામાં આવી હતી.

આ હેતુસર ખૂબ જ ટૂંકાગાળામાં ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ, ૭૦ હજાર કવીન્ટલ ચણા અને તુવેર દાળ તથા ૭૮ હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને ૧૯.૩૮ લાખ કવીન્ટલ અનાજ જથ્થાને જીલ્લા મથકો / તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની પડકારરૂપ કામગીરી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તથા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓએે સુપેરે પાર પાડી છે.
એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારોને રાજ્ય સરકારે ૪૪૫.૫૦ કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને અંત્યોદય પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ એન.એફ.એસ.એ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો ઉદાત ભાવ દર્શાવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ૬૧ લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ થી ૩ કરોડ લોકોને તા. ૧૩ મી એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી હતી.

રાજ્યના કુલ ૬૧ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૪પ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૯૪.પ૦ કરોડ થાય છે, ૧.૪૦ લાખ કવીન્ટલ અને રૂ. ૩૦.૮૦ કરોડની બજાર કિંમત ધરાવતા ચોખા, રૂ. ૧૮ કરોડની બજાર કિંમત ધરાવતી ૪પ હજાર કવીન્ટલ ખાંડ અને રૂ. ર૭ કરોડની કિંમતના મૂલ્યની તુવેર અને ચણા દાળ મળીને કુલ રૂ. ૧૭૦.૩૦ કરોડની બજાર કિંમતનું ૬.૮૦ લાખ કવીન્ટલ અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ત્યાર બાદ રાજયમાં અન્ય પ્રદેશ કે પરપ્રાંતમાંથી રોજગાર મેળવવા માટે આવેલા હોય તેવા શ્રમિકો, કામદારો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા વર્ગના ગરીબોને અન્ન બ્રહમ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ દાળ અને મીઠું સહિતની ખાદ્ય સામગ્રી આ લોકડાઉનના સમયમાં મળી રહે તેવા ઉદાર ભાવથી જીલ્લા કલેકટરશ્રીઓ પાસે આવા લાભાર્થીઓની યાદી તૈયાર કરાવડાવીને આશરે પ લાખ લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજનામાં અનાજ કિટનું વિતરણ લાભ આપ્યો.

અન્નબ્રહ્મ યોજના અંતર્ગત ૧૪૧૯૦ કવીન્ટલ ઘઉં, ૬૩૯૦ કવીન્ટલ ચોખા, ૪ર૬૦ કવીન્ટલ ખાંડ અને ૪ર૬૦ કવીન્ટલ તુવેર-ચણા દાળ મળીને કુલ રૂ. ૮.૬૩ કરોડની બજાર કિંમતનું ૨૯૧૦૦ કવીન્ટલ અનાજ આવા શ્રમિકો, કામદારો, દરિદ્રનારાયણોને વિનામૂલ્યે અપાયું.

કોરોના વાઇરસને કારણે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય-ગરીબ પરિવારોને આર્થિક આધાર આપવા મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઇને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે રૂ. ૧૦૦૦ની સહાય NFSA યોજનાનો લાભ મેળવતા કાર્ડધારકોના ખાતામાં સીધી ડી.બી.ટી દ્વારા જમા કરાવવાની જે પહેલ કરી તેના પગલે પ૦.પર લાખ લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ. પ૦પ કરોડ રાજ્ય સરકારે જમા કરાવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનનો સમયગાળો વધુ લંબાવાની સ્થિતીમાં આવા ૬૬ લાખ એન.એફ.એસ.એ. કાર્ડધારકો – પરિવારો પ્રત્યે વધુ ઉદાર ભાવ દર્શાવીને તેમને વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, અને ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો. તા. રપ એપ્રિલ થી તા. ૩૦ એપ્રિલ દરમિયાન આ અનાજ વિતરણ કરવાના ભાગરૂપે રૂ. ૩પ૭ કરોડના બજાર મૂલ્યના ૧૬ લાખ ૮૦ હજાર કવીન્ટલ અનાજ જેમાં રૂ. ર૪૭ કરોડના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં અને પ લાખ કવીન્ટલ ચોખા રૂ. ૧૧૦ કરોડના મૂલ્યના વિનામૂલ્યે વિતરીત કરવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ધ્વારા દર માસે કાર્ડધારકોને આપવામાં આવતા અનાજ વિતરણની કામગીરી જે સમગ્ર માસ દરમ્યાન ચાલતી હોય છે તેને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં માત્ર ગણતરીના સમયમાં પુરી કરવાનો પડકાર ઝીલી લઇને રોજીંદી કામગીરી કરતાં ચાર ગણી વધુ કામગીરી કરીને પણ નાગરિક પુરવઠા વિભાગના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ /કર્મયોગીઓએ /જીલ્લા સ્તરે વિતરણ વ્યવસ્થા સાથે નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓ / ગોડાઉન મેનેજરો તથા સસ્તા અનાજના દુકાનદારોએ સરળતાથી આ કપરા સમયમાં અનાજ વિતરણ વ્યવસ્થા સુનિયોજીત ઢબે પાર પાડી છે.

કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યીલ ડિસ્ટન્સ જાળવીને અને સસ્તા અનાજની દુકાનો પર ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ રાજય સરકારની આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.

રાજ્યનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરે છે.  મુખ્યમંત્રીશ્રીએ આ અનાજ વિતરણ વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો અનુસરીને ભીડભાડ કર્યા વિના અનાજ મેળવવા આવેલા અંત્યોદય પરિવારોની અને આ વિતરણ કામગીરી સુપેરે પાર પાડી રહેલા કર્મયોગીઓની કર્તવ્ય પરાયણતાને બિરદાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.